અમેરિકામાં પ્રદર્શનકારીઓએે મહાત્મા ગાંધીજીની પ્રતિમા તોડી તેની ઉપર રંગ છાંટી દીધો

– તોફાનીઓએ ગાંધીજીને પણ ના છોડયા

– ભારતીય દુતાવાસની બહાર મૂકાયેલી પ્રતિમાના અપમાન બદલ સ્થાનિક પોલીસમાં ફરીયાદ

ભારત ખાતેના અમેરિકન રાજદૂત કેન જસ્ટરે આ કૃત્ય બદલ માફી માગી

 

અમેરિકામાં ચાલી રહેલા તોફાનો દરમિયાન તોફાનીઓએ ભારતીય દુતાવાસની બહાર મૂકેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરીને તેની ઉપર રંગીન કુચડો ફેરવી દીધો હતો, પરિણામે અત્રેના ભારતીય દૂતાવાસને પોલીસમાં ફરીયાદ કરવાની ફરજ પડી હતી. ૨૫મેના રોજ પોલીસ દ્વારા આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોઇડની કરાયેલી હત્યાના વિરોધમાં આખા અમેરિકામાં અશ્વેત નાગરિકોએ તોફાનો શરૂ કર્યા હતા.

સપ્તાહના અંતે  બીજી અને ત્રીજી જૂનની વચ્ચે અર્ધ રાત્રીએ કોઇ તોફાનીઓ દૂતાવાસ પાસે આવ્યા હતા અને તેમણે બાપુની પ્રતિમાને તોડી નાંખી હતી.જો કે આ ઘટના અંગે નવી દિલ્હી ખાતેના અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે માફી માગી હતી.

ભારતીય દૂતાવાસે વિદેશ મંત્રાલયને આ અંગેની જાણકારી આપી હતી અને સ્થાનિક પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. બુધવારે મેટ્રોપોલીટન પોલીસના કેટલાક અધિકારીઓએ ડિપ્લોમેટિક સીક્યોરિટિ સર્વિસ અને નેશનલ પાર્ક પોલીસ સાથે મળીને ઘટના સ્થળની મુલાકાત લઇ ઘટનાની તપાસ શરૂ કરી હતી.પ્રતિમા પાસેના કચરાને વહેલી તકે દૂર કરવાના પ્રયાસો શરૂ કરાયા હતા.

કેન જસ્ટરે ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘વોશિંગ્ટન ડીસીમાં ગાંધીની પ્રતિમાના અપમાન બદલ અમે દિલગીર છીએ. મહેરબાની કરીને અમારી ખરા દિલની માફીનો સ્વીકાર કરો.જ્યોર્જ ફ્લોઇડના મોત અને ત્યાં થઇ રહેલા તોફાનોથી અમે વ્યથીત છીએ.કોઇ પણ જાતના પૂર્વાગ્રહ અને ભેદભાવની વિરૂધ્ધ અમેરિકા હમેંશા ઊભું રહે છે’.

પોલીસ દ્વારા કરાયેલી આફ્રિકન અમેરિકન ફ્યોઇડની હત્યાની વિરૂધ્ધમાં આખા અમેરિકામાં તોફાનો ફાટી નીકળ્યા હતા. કેટલીક જગ્યાએ તો તોફાનીઓએ હિંસા પણ આચરી હતી. કેટલાક અતિ પ્રતિષ્ઠીત અને પવિત્ર સ્થળોને નુકસાન કરાયું હતું. વોશિંગ્ટન ડીસીમાં પ્રદર્શનકારીઓએ  ઐતિહાસિક દેવળને બાળી નાંખ્યો હતો તેમજ કેટલીક મોખરાની મિલકતોને પણ મોટું નુકસાન પહોંચાડયું હતું. તોફાનીઓએ લિંકન મેમોરિયલ તેમજ કેટલાક રાષ્ટ્રીય  સ્મારકોને પણ છોડયા નહતા.

વોશિંગ્ટન ડીસીમાં વિદેશી મહાનુભવો પૈકીની  કેટલીક જૂજ પ્રતિમાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ છે. ૧૬ સપ્ટેમ્બર,૨૦૦૦માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ  તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન તે વખતના અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનની હાજરીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અર્પણ કરી હતી.ઓકટોબર,૧૯૯૮માં યુએસ કોંગ્રેસે  ભારત સરકારને વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમા ્સ્થાપવાની પરવાનગી આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.