ભારતમાં લોકપ્રિય થયેલી ‘રિમૂવ ચાઈના એપ’ ગૂગલે હટાવી દેતાં ટ્વિટર પર વિરોધ

ભારતમાં લોકપ્રિય થયેલી ‘રિમૂવ ચાઈના એપ’ ગૂગલે હટાવી દેતાં ટ્વિટર પર વિરોધ

– બે અઠવાડિયા પહેલા લૉન્ચ થયેલી આ એપ 50 લાખથી વધારે વાર ડાઉનલોડ થઈ હતી

– પાકિસ્તાનમાં તૈયાર થયેલી એપ ‘મિત્રો’ પણ તુરંત ડિલિટ કરવા સાઇબર નિષ્ણાતો નુ સૂચન

૧૭મી મેના દિવસે લૉન્ચ થયેલી ‘રિમૂવ ચાઈના એપ’નામની મોબાઈલ એપ્લિકેશન ભારતમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી હતી ત્યાં જ તેને પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાઈ છે. મોબાઈલમાં આવતી તમામ એપ ગૂગલની માલિકીના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની હોય છે. પ્લે સ્ટોરમાં કઈ એપ રાખવી અને કઈ ન રાખવી એ ગૂગલ નક્કી કરે છે. માટે ભારતમાંથી અનેક લોકોએ ટ્વિટર પર ગૂગલના આ નિર્ણયની ટીકા કરી છે. ગૂગલે જોકે બાદમાં સ્પષ્ટ કર્યું હતુ કે એપ દ્વારા બીજી એપ દૂર કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપી શકાય. આ એપ એવુ કરતી હોવાથી તેને હટાવી દેવાઈ હતી.

રિમૂવ ચાઈના એપ ફોનમાં ઈન્સ્ટોલ કર્યા પછી ફોનમાં રહેલી ચાઈનિઝ એપ ઓળખી આપતી હતી. પરિણામે ચાઇનિઝ એપ દૂર કરવી હોય તો એ કામ બહુ સરળ થઈ જતું હતું. એટલા માટે જ ભારતમાં રિમૂવ ચાઈના એપ ૩જી તારીખે ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાઈ એ પહેલા ૫૦ લાખથી વધારે વખત ડાઉનલોડ થઈ હતી. આ એપ જયપુર સ્થિત કંપની ‘વનટચ એપલેબ્સ’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

ચાઈનિઝ વીડિયો એપ ટિકટોક ભારતમાં ખાસ્સી લોકપ્રિય છે. તેની સામે મિત્રો નામની એપ આવી હતી. આ એપ પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવાઈ છે. આ એપ મૂળ પાકિસ્તાની ડેવલપરોએ તૈયાર કરી હતી. એ વખતે તેનું નામ ટિક-ટિક હતું. આઈઆઈટી રૂરકીના વિદ્યાર્થી શિબાંક અગ્રવાલે તેને ખરીદી લીધા પછી મિત્રો નામ આપ્યું હતું. આ એપ ખાસ્સી લોકપ્રિય થઈ હતી . તેને પણ ગૂગલ દ્વારા હટાવી દેવાઈ છે. તેનું કારણ આપતા ગૂગલે લખ્યું હતું કે આ એપમાં બીજી એપનું કન્ટેન્ટ કોપી કરવામાં આવતું હતુ. માટે અમારી પોલિસીનો ભંગ થતો હતો.   એટલુ જ નહીં ખરીદનારા શિબાંકે એપને ભારતીય હોવાનું દર્શાવ્યુ હતુ. માટે લોકો ગેરમાર્ગે દોરાઈને તેને ડાઉનલોડ કરતા હતા. એટલે માહિતી છૂપાવવા બદલ પણ ગૂગલે આ કાર્યવાહી કરી હતી.

મહારાષ્ટ્રના સાઈબર સિક્યુરિટી વિભાગે પણ આ એપને સુરક્ષાની દૃષ્ટિએ જોખમી ગણાવી ડાઉનલોડ ન કરવા અને જો કરી હોય તો હટાવી દેવા સલાહ આપી હતી. મહારાષ્ટ્રના સાયબર સેલે ૨ તારીખે જ આ અંગેની સૂચના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મુકી હતી. તેમાં લખ્યું હતું કે આ એપ કોણે તૈયાર કરી તેનુ સ્પષ્ટ નામ જાહેર થતું નથી, પાકિસ્તાની છે એટલી જ જાણકારી મળે છે. વધુમાં એપની કોઈ પ્રાઇવસી પોલીસી પણ નથી. માટે આવી એપથી દૂર રહેવું સારું.

ભારતમાં ચાઈનિઝ એપની લોકપ્રિયતા સતત વધી રહી છે. ભારત અત્યારે દુનિયાના સૌથી મોટા એપ માર્કેટ તરીકે વિકસી રહ્યું છે. ૨૦૧૭માં પ્લે સ્ટોરની પ્રથમ ૧૦૦ એપમાં  ૧૮ ચાઈનિઝ એપ હતી, ૨૦૧૮માં અઢી ગણી વધીને ૪૪ થઈ ગઈ હતી. હવે એ સંખ્યા તેનાથી પણ વધી ગઈ છે. લોકો પોતાના ફોનમાં અનેક એપ ડાઉનલોડ કરતાં હોય છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ ચાઇનિઝ છે.

ભારતમાં લોકપ્રિય ચાઈનિઝ એપ

સંરક્ષણ મંત્રાલયે ૨૦૧૭માં ભારતીય લશ્કરની ત્રણેય પાંખોને ૪૨ એપનું લિસ્ટ આપ્યું હતું, જે ચાઇનિઝ હતી અને જાસૂસી કરતી હોવાની શંકા હતી. આર્મડ ફોર્સિસમાંથી તો એ એપ દૂર થઈ પરંતુ સામાન્ય લોકોને કદાચ જાણકારી નથી હોતી કે તેના ફોનમાં રહેલી આ એપ ચાઈનિઝ છે. ગૂગલમાં કોઈ પણ એપનું નામ અને ‘કન્ટ્રી ઓરિજિન’ અથવા ‘ઓરિજિન કન્ટ્રી’ લખવાથી  (જેમ કે – share it country origin) એ એપ ક્યાંની છે એ ખબર પડી આવે છે. અહીં  ભારતમાં લોકપ્રિય કેટલીક ચાઈનિઝ એપનું લિસ્ટ આપ્યું છે.

– Helo

– TikTok

– Kwai

– LIKE

– UC Browser

– Mi Store

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.