કોરોનાની દવા હોવાનું કહી ગેરમાર્ગે દોરનારાને બે વર્ષની સજા થશે

 કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી કાર્યવાહી કરવા કહ્યું

ડ્રગ્સ કોસ્મેટિક એક્ટ, ડ્રગ્સ એન્ડ મેજિક રેમડી એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે, એક લાખના દંડની પણ જોગવાઇ

– કોરોનાની કોઇ દવા નથી શોધાઇ છતા દવા હોવાનું કહી પ્રજાને મુર્ખ બનાવતા ઉત્પાદકોને ચેતવણી જારી

કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, આ મહામારી ફેલાયાને મહિનાઓ વીતી ગયા છતા હજુસુધી તેની કોઇ ચોક્કસ દવા નથી શોધાઇ. આ સ્થિતિ વચ્ચે કોરોનાની દવા હોવાનું કહીને નાગરિકોને ગેરમાર્ગે દોરી રહેલા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે કહ્યું છે. આયુષ મંત્રાલય દ્વારા જારી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે દવાના ઉત્પાદકો જો લોકોને કોરોનાની દવા હોવાનું કહીને દવા વેચી ગેરમાર્ગે દોરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આયુષ મંત્રાલય દ્વારા બીજી જૂનના રોજ દરેક રાજ્યો અને કેન્દ્ર સાશીત પ્રદેશોને એક પત્ર લખીને કહ્યું છે કે દવા ઉત્પાદકો કોરોનાની દવા હોવાનું કહીને દવા વેચી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આવા ઉત્પાદકોને તાત્કાલીક ધોરણે ચેતવણી જારી કરવામાં આવે તેમ રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે કહ્યું છે. આ ઉપરાંત દવા બનાવતી કંપનીઓ કે ઉત્પાદકો પર નજર રાખી રહેલી એજન્સીઓ અને જે તે વિભાગને પણ આદેશ આપ્યો છે કે આવી કોઇ પણ ઘટના સામે આવે તો જે તે ઉત્પાદક સામે તાત્કાલીક પગલા લેવામાં આવે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવે.

રાજ્ય સરકારોએ જાહેરાતો દ્વારા કોરોના અને તેની દવા મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરનારાઓથી સાવધાન રહેવાની ચેતવણીઓ જાહેર કરવામાં આવે તેવી પણ રજુઆત કેન્દ્રએ કરી હતી. સાથે જ દવા ઉત્પાદકો પર નજર રાખી રહેલી ઓથોરિટીને પણ કહ્યું છે કે આવો કોઇ કિસ્સો સામે આવે તો ડ્રગ્સ એન્ડ મેજિક રેમીડિસ એક્ટ (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઇઝમેન્ટ) ૧૯૫૪ની કલમ ૭ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦ની કલમ ૩૩-૧ તેમજ ૩૩-જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે અને એફઆઇઆર દાખલ કરવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.