– મજુરા ગેટ પાસે વૃધ્ધ ડૉક્ટરના હાથમાંથી અને સિટીલાઇટ રોડ પર ફેબ્રીકેશન લેબર વર્ક કોન્ટ્રાકટરનો મોબાઇલ આંચકી લીધો
અનલોક 1માં મહત્તમ છુટછાટ સાથે શહેરમાં સક્રિય થયેલા મોબાઇલ સ્નેચરોએ મજુરા ગેટ ઓવર બ્રિજ નીચેથી પસાર થઇ રહેલા વૃધ્ધ ડૉક્ટર અને સિટીલાઇટ રોડ પરથી પસાર થઇ રહેલા યુવાનના હાથમાંથી મોપેડ સવાર સ્નેચરો મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયા હતા.
રીંગરોડ મજુરા ગેટ સ્થિત મહાદેવ નગર સોસાયટીમાં રહેતા ડૉ. ઉપેન્દ્ર ભાસ્કર કલાઇગર (ઉ.વ. 69) ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં નવી સિવિલ હોસ્પિટલ સામે ઓવર બ્રિજ નીચેથી પગપાળા જઇ રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી મોપેડ સવાર બે સ્નેચરો ઘસી આવ્યા હતા.
જે પૈકી પાછળ બેસેલા સ્નેચરે ડૉ. ઉપેન્દ્રભાઇના હાથમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂા. 7 હજારની મત્તા આંચકીને ભાગી ગયા હતા. જયારે સિટીલાઇટ રોડ અશોક પાનની બાજુમાં સુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા ફેબ્રીકેશન લેબર વર્કનું કામ કરતા અબ્દેઅલી જોહર પેટીવાલા (ઉ.વ. 40) ગત રાત્રે 8.30 વાગ્યે પગપાળા કામ અર્થે જવા નીકળ્યો હતો.
તે દરમ્યાન સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મોપેડ પર ઘસી આવેલા બે સ્નેચરો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૂા. 25 હજારની મત્તાનો આંચકીને ભાગી ગયા હતા. ઘટના અંગે ઉમરા અને ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે મોબાઇલ સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.