ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આ બધા વચ્ચે ઉત્તર કોરિયાએ ફરી એક વખત દક્ષિણ કોરિયાને ધમકી આપી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ દ્વારા દક્ષિણ કોરિયાને સૈન્ય કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે.
હકીકતે કિમ યો જોંગ એવું માને છેકે સિયોલ દ્વિપક્ષીય સંબંધોના પતનનું કારણ છે અને તે સરહદ પર ઉત્તર કોરિયા વિરોધી ગતિવિધિઓને રોકવામાં અસમર્થ સાબિત થઈ રહ્યું છે.
કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને દુશ્મન ગણાવ્યું હતું અને સાથે જ સિયોલ સરહદ પર નકામી થઈ ગયેલી લાઈજન ઓફિસને ધ્વસ્ત થતા જોશે તેવી ધમકી આપી હતી. સત્તાધારી વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ કમિટીની પ્રથમ વાઈસ ડિપાર્ટમેન્ટ ડિરેક્ટર કિમના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયા વિરૂદ્ધની આગળની કાર્યવાહીનો નિર્ણય સૈન્ય પ્રમુખો પર છોડી દેવામાં આવ્યો છે.
કિમ યો જોંગે જણાવ્યું કે, ‘અમારા સર્વોચ્ય નેતા તરફથી મળેલા અધિકારોનો પ્રયોગ કરીને મેં સૈન્ય પ્રમુખોને દુશ્મન દેશો વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.’ થોડા દિવસો પહેલા બંને દેશની સરહદો પર ઉત્તર કોરિયા વિરોધી બેનર ફરકાવવામાં આવ્યા હતા અને કિમ જોંગની ટીકા કરતા ફુગ્ગા પણ ઉડાડવામાં આવ્યા હતા જેથી ઉત્તર કોરિયા રોષે ભરાયું હતું અને કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને ધમકી આપી હતી.
તે સમયે પણ કિમ યો જોંગે 2018ની સૈન્ય સમજૂતી રદ કરવામાં આવશે અને સરહદ પર આવેલા સંપર્ક કાર્યાલયને બંધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે જ દક્ષિણ કોરિયા સતત બહાના બનાવે છે અને જો આ પ્રકારની ગતિવિધિઓ પર કાબુ નહીં મેળવવામાં આવે તો ભારે કિંમત ચુકવવી પડશે તેવી ધમકી આપી હતી.
એક અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાને અડીને આવેલી દક્ષિણ કોરિયાની સરહદ પર અનેક વખત તાનાશાહ કિમ જોંગ ઉન વિરૂદ્ધ ટિપ્પણી કરતા ફુગ્ગા ઉડાડી તેમનો વિરોધ કરવામાં આવે છે. તેઓ અનેક વખત કિમ જોંગ ઉનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ પણ કરી ચુક્યા છે.
કિમ યો જોંગ છે શક્તિશાળી
કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગને દેશનો બીજા નંબરનો સૌથી મહત્વનો ચહેરો માનવામાં આવે છે. કિમ યો જોંગ અનેક વખત દેશની બહાર પણ ઉત્તર કોરિયાનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. સમગ્ર વિશ્વમાં કિમ જોંગ ઉનની જે છબિ છે તેને તૈયાર કરવામાં તેમની બહેનનું ઘણું મોટું યોગદાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.