ઉત્તર કોરિયાએ પોતાની સરહદમાં આવેલા ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયને ઉડાવી દીધું

– ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તંગદિલી વધશે

– 2018માં ટ્રમ્પ સાથેની મંત્રણા પછી ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ઉશ્કેરણીજનક કાર્યવાહી

ઉત્તર કોરિયાએે પોતાની સરહદ અંદર આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારતને ધ્વસ્ત કરી નાખી હતી. ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પછી કોરિયન  દ્વીપમાં તંગદિલી વધી ગઇ છે.

ઉત્તર કોરિયાની સરહદમાં આવેલ આ ઇમારતમાં કોઇ પણ દક્ષિણ કોરિયન ન હતું. 2018માં ટ્રમ્પ સાથેની મંત્રણા પછી ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. ઉત્તર કોરિયાની આજની કાર્યવાહીથી દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇનના શાંતિ પ્રયાસોને સૌથી મોટો આંચકો લાગ્યો છે. જો કે આ ઇમારતને કઇ રીતે ધ્વસ્ત કરવામાં આવી તેની ચોક્કસ વિગતો મળી નથી.

જો કે દક્ષિણ કોરિયા સરકાર દ્વારા મિલિટરી સર્વેલન્સ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કાએસોંગમાં ઇમારતને ધરાશયી થતી જોઇ શકાય છે. આ દરમિયાન દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે કે જો તેના દ્વારા હવે કોઇ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપશે.

ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પછી નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની

ઇમરજન્સી બેઠક મળી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર કોરિયાની આજની કાર્યવાહીથી બેને દેશોના સંબધો સુધરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ દરમિયાન દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે ઉત્તર કોરિયાની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અને તે ભવિષ્યમાં ઉત્તર કોરિયાની કોઇ પણ કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ગયા સપ્તાહમાં દક્ષિણ કોરિયા સાથેના તમામ સૈન્ય અને ટેલિકોમ્યુનિકેશન સંબધો કાપી નાખ્યા હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.