માત્ર ચીન સાથેનો તણાવ જ નહીં, મોદી સરકાર સામે છે આ 5 મોટા પડકારો..

ભારત અને ચીન વચ્ચેનો તણાવ હાલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને ગાલવાન ઘાટી ક્ષેત્રમાં થયેલી હિંસક અથડામણમાં 20 જેટલા જવાનો શહીદ થયા બાદ રાજકારણ પણ ગરમાયેલું છે. આ કારણે નવી દિલ્હીથી લઈને બેઈજિંગ સુધી વાટાઘાટો અને બેઠકો ચાલી રહી છે.

વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા ટોચના બે દેશો વચ્ચે વધી રહેલા તણાવને લઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે પણ ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ ભારતને ફક્ત ચીન સાથેનો તણાવ એ એક જ સમસ્યા નથી પરંતુ હાલ દેશ પાંચ બાજુએથી પડકારોનો સામનો કરી રહ્યું છે.

એક તરફ ચીન સાથેનો સરહદ વિવાદ તેની ચરમસીમાએ પહોંચેલો છે ત્યારે બીજી બાજુ ચીનથી નીકળેલા કોરોના વાયરસે નાકમાં દમ લાવી દીધો છે. ભારતનો બહુ જૂનો મિત્રદેશ નેપાળ પણ હાલ આંખો દેખાડી રહ્યો છે તો આ તરફ આતંકવાદનું જનક પાકિસ્તાન હાલ સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રનું પૈડું અટકી ગયું છે તે એક અલગ માથાનો દુખાવો છે. ત્યારે આ સંજોગોમાં એકસાથે આવેલા આ પડકારોનો સામનો મોદી સરકાર કઈ રીતે કરશે તેના પર સૌની નજર ટકેલી છે.

ચૂંચા ચીન પર વધુ વિશ્વાસ ન કરી શકાય

લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસી આવેલી ચીની સેના સાથેની અથડામણ દૂર કરવા સૈન્ય સ્તરે વાટાઘાટો ચાલી રહી હતી અને થોડા દિવસો પહેલા જ ચીની સેનાએ બે કિમી પીછેહઠ કરી હતી.

તેના કારણે ચીન સાથેની વાર્તા યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાનો વિશ્વાસ જાગ્યો હતો પરંતુ તે ચીનની કાયમની માફક એક ચાલ જ હતી. ચીને સરહદ પાસે સૈન્ય વધારવાનું ચાલુ રાખીને અચાનક જ હુમલો કરી દીધો હતો જેના કારણે ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.

સદીઓ જૂના મિત્ર એ પણ આંખો દેખાડી

નેપાળ અને ભારત વચ્ચેનો સંબંધ માત્ર સત્તા અને સરકાર જ નહીં પણ સામાજીક અને સાંસ્કૃતિક સ્તરે પણ ખૂબ જ ઘનિષ્ઠ છે. નેપાળ સાથે ભારત રોટી-બેટીનો સંબંધ ધરાવતું આવ્યું છે પણ સદીઓ જૂના આ મિત્ર એ પણ હવે આંખો દેખાડી છે. જ્યારથી નેપાળની સત્તા ચીન તરફ ઢળેલી કોમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં આવી છે ત્યારથી આ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

નેપાળે બંધારણમાં સંશોધન કરીને નવો નકશો જાહેર કર્યો છે જેમાં ભારતના ત્રણ સ્થળો લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને પોતાનામાં ગણાવ્યા છે. આમ જૂના મિત્રદેશ એવા નેપાળમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તે પણ સરકાર સામે એક પડકાર છે.

LoC પર પાકિસ્તાન સાથે અઘોષિત યુદ્ધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સીઝફાયર ફક્ત કહેવા પૂરતો

જ છે અને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાડોશી દેશ તેને કદી ગણકારતું નથી. વર્ષના બારેય મહીના જવાનોએ ભારતથી જુદા પડીને અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાન સાથે અઘોષિત યુદ્ધ લડવું પડે છે. ઘણી વખત પાકિસ્તાન આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવા કવર ફાયર કરે છે તો કદીક અચાનક જ ભારતીય ચોકીઓ અને સરહદી ગામોને નિશાન પર લઈને હુમલો કરે છે.

વધી રહેલું કોરોના સંકટ નિયંત્રિત કરવું એક પડકાર

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં મોતનું તાંડવ મચાવ્યું છે પરંતુ છેલ્લા થોડા દિવસોના આંકડા જોઈએ તો ભારતનો માથાનો દુખાવો વધુ પડતો જ વધી રહ્યો છે. દેશમાં 66 દિવસના લોકડાઉન બાદ જ્યારે પ્રતિબંધો પર ઢીલ આપવામાં આવી તો જાણે કોરોના પણ અનલોક થઈ ગયો. રાજધાની દિલ્હી સહિત દેશના ચારમાંથી ત્રણ મહાનગરો કોરોનાના મોટા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે જેમાં આર્થિક રાજધાની મુંબઈ અને ચેન્નાઈનો પણ સમાવેશ થાય છે.

‘કોરોના ચક્ર’માં ફસાયેલું અર્થતંત્ર કેવી રીતે પાટે ચઢશે તે સવાલ

દેશનું અર્થતંત્ર પહેલેથી જ માંદલુ ચાલી રહ્યું હતું અને બાકીની ખોટ કોરોના મહામારીએ પૂરી કરી દીધી. કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવતા દેશની ગતિ, ઉદ્યોગો અને વેપાર અટકી પડ્યા. રોજગારી છીનવાઈ જવાના કારણે ભૂખમરાની સ્થિતિમાં આવી ગયેલા પ્રવાસી મજૂરો પોતાના વતનભણી ખેંચાયા. જેથી બેરોજગારીનો દર અનેક વર્ષોના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.