વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ રોગચાળા અંગે ચર્ચા કરી હતી. વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા તેઓએ આ વાતચીત કરી હતી. તેમણે કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ નહીં રાખવાની સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે અને અર્થવ્યવસ્થા પાટા પર પાછા આવવાના સંકેતો છે. વડા પ્રધાન બુધવારે પણ મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં કોવિડ -19 ની અસર અન્ય દેશોની તુલનામાં ઓછી છે. દેશમાં રિકવરી રેટ 50 ટકાથી વધુ થઇ ગયો છે. તેમણે કહ્યું કે કોરોનાથી એક પણ મોત આપણા માટે દુખદાયક છે. પરંતુ એ પણ સાચું છે કે ભારત એવા દેશોમાં છે જ્યાં કોરોનાથી ઓછા મૃત્યુ થયા છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હજારો લોકો વિદેશથી ભારત પરત ફર્યા છે. લાખો પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે પહોંચી ગયા છે. પરિવહનનાં લગભગ તમામ સાધનો ખોલવામાં આવ્યા છે.
પીએમે જણાવ્યું હતું કે આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણે કોરોનાને જેટલો રોકી શકીશું તેટલી જ જલ્દી આપણું અર્થતંત્ર દોડતું થશે, આપણી ઓફિસો, બજારો, ટ્રાન્સપોર્ટના સાધનો ખૂલશે અને તેટલા જ રોજગારીના નવા અવસર ઉભા થશે. રાજ્યોના સીએમને સંબોધતા પીએમે કહ્યું હતું કે આપણે ત્યાં નાની ફેક્ટરીઓને મદદ અને માર્ગદર્શનની જરુર છે. આપણા ઉદ્યોગો પહેલાની જેમ કામ કરતા થઈ શકે તે માટે આપણે વેલ્યૂ ચેઈન્સ પર પણ સાથે મળી કામ કરવું પડશે.
લોકલ પ્રોડક્ટ માટે જે ક્લસ્ટર બેઝ્ડ રણનીતિની જાહેરાત કરાઈ છે તેનો લાભ તમામ રાજ્યોને થશે. તેના માટે દરેક બ્લોક, દરેક જિલ્લામાં બનતા પ્રોડક્ટ્સની ઓળખ કરી તેમનું પ્રોસેસિંગ કે માર્કેટિંગ કરી એક બહેતર પ્રોડક્ટને દેશ અને દુનિયાના બજારમાં ઉતારી શકાય તેમ પણ પીએમે કહ્યું હતું ખેતી ક્ષેત્રનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે કૃષિ પેદાશો વેચવા માર્કેટિંગ ક્ષેત્રમાં જે ફેરફાર કરાયા છે તેનો ખેડૂતોને મોટો લાભ મળશે.
પીએમ આજે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના સીએમ સાથે વાત કરી રહ્યા છે. જેમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ, ચંદીગઢ, ગોવા, મણીપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુડ્ડુચેરી, અરુણાચલ, મેઘાલય, મિઝોરમ, અંદમાન અને નિકોબાર, દાદરા નગર હવેલી અને દમણ-દિવ, સિક્કિમ તેમજ લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. ગુજરાતનો વારો આવતીકાલે આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.