ભારત-ચીન વિવાદ પર અમેરિકાએ કહ્યું- ‘અમારી નજર ત્યાં જ છે’, UNએ પણ ચિંતા વ્યક્ત કરી

ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે અને ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

ભારત અને ચીન વચ્ચેના આ તણાવ પર અમેરિકાએ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના એક અધિકારીએ LAC ખાતે ભારત અને ચીન વચ્ચે જે ચાલી રહ્યું છે તેના પર અમેરિકાનું સંપૂર્ણ ધ્યાન છે તેવી માહિતી આપી હતી.

અમેરિકી વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતની સેનાએ 20 જવાનો શહીદ થયા હોવાની પૃષ્ટિ કરી છે અને અમે તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરીએ છીએ. ભારત અને ચીન બંને આ વિવાદને ઉકેલીને સરહદ પરથી સૈનિકોને પાછા બોલાવી લેવા રાજી છે.

અમેરિકાના કહેવા પ્રમાણે ગત 2 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર વાત થયેલી જેમાં ભારત-ચીન સરહદ વિવાદનો પણ ઉલ્લેખ થયો હતો. અમે ઈચ્છીએ છીએ કે બંને દેશો શાંતિપૂર્વક આ વિવાદનો અંત લાવે.

સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા દર્શાવી

અમેરિકા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)

મુદ્દે ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને બંને દેશોને સંયમ જાળવી રાખવા વિનંતી કરી હતી.

UNના સહયોગી પ્રવક્તા એરી કનેકોના કહેવા પ્રમાણે તેઓ વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ભારત અને ચીન વચ્ચે વ્યાપેલી હિંસા અને મૃત્યુના સમાચારથી ચિંતિત છે. સાથે જ તેમણે પોતે બંને પક્ષને અત્યંત સંયમ જાળવવા વિનંતી કરે છે તેમ કહ્યું હતું.

ભારત અને ચીન વચ્ચેના તાજેતરના વિવાદની ચર્ચા વૈશ્વિક સ્તરે થઈ રહી છે અને અમેરિકા, બ્રિટનના મીડિયાએ મોટા સ્તરે આ સમગ્ર ઘટનાક્રમને કવરેજ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.