ઝીરો ડિગ્રી તાપમાનમાં સૈનિકોની અથડામણ, જાણો કેવું હોય છે ગાલવાન ઘાટીનું હવામાન

ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 જવાન શહીદ થયા છે. આ હિંસક અથડામણમાં ચીનના કેટલાક સૈનિકોને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યાં બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ તે ગાલવાન ઘાટી 14,000 ફૂટથી પણ વધુ ઉંચાઈએ આવેલી છે જેનું તાપમાન શૂન્યથી પણ નીચું રહે છે.

સેનાએ જણાવ્યું કે, જે સ્થળે અથડામણ થઈ તે સ્થળે ભીષણ ગરમીમાં પણ તાપમાન શૂન્ય કે તેનાથી નીચું રહે છે. મંગળવારે શૂન્યથી પણ ઓછા તાપમાનમાં હિંસક અથડામણ થયેલી જેમાં 20 જવાન શહીદ થઈ ગયા હતા.

ડિસેમ્બર અને જાન્યુઆરી મહીનામાં ગાલવાન ઘાટીનું તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. હાડ ગાળી દે તેવી ઠંડીમાં પણ જવાનો સરહદની સુરક્ષા માટે તે સ્થળે તૈનાત રહે છે. તે સમયે તેમણે બરફના તોફાન અને હિમસ્ખલનનો સામનો પણ કરવો પડે છે. વિશ્વના સૌથી ખતરનાક સ્થળે તૈનાત રહેતા ભારતીય સેનાના જવાનોને ખાસ તકનીક વડે બનાવાયેલી કીટ આપવામાં આવે છે જેથી તેઓ જીવલેણ મોસમમાં પણ જીવીત રહી શકે છે.

જવાનોને આપવામાં આવતી કીટમાં થર્મલ ઈન્સોલ, ચશ્મા, સૂવા માટેની કીટ, કોદાળી, બૂટ, હિમસ્ખલનની માહિતી આપતું યંત્ર અને પર્વતારોહણના સામાનનો સમાવેશ થાય છે. ગાલવાન ઘાટી અને લદ્દાખના શહેરી વિસ્તારના તાપમાનમાં આભ જમીનનો ફરક જોવા મળે છે. ગાલવાનમાં પારો શૂન્યથી પણ નીચો હોય છે ત્યારે લદ્દાખના શહેરી વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રી જેવું રહેતું હોય છે.

હિંસક અથડામણમાં ચીનના 40 જવાનોને હાનિ પહોંચી

વર્ષ 1967 બાદ પ્રથમ વખત બંને દેશની સેનાઓ વચ્ચે આટલી મોટી અથડામણ થઈ છે. તે સમયે ભારતના 80 જવાન શહીદ થયા હતા અને ચીનના 300થી વધારે સૈનિકો માર્યા

ગયા હતા. હાલ સરકારનું ધ્યાન કોવિડ-19 સંકટનો સામનો કરવામાં પરોવાયેલું છે તેવા સમયે જ આ ક્ષેત્રમાં બંને બાજુ નુકસાન થયેલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં પૂર્વીય લદ્દાખની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતે 3,500 કિમી લાંબી સરહદ પર ચીનના આક્રમક વલણનો સામનો કરવા આકરૂ વલણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.