કિમ જોંગે દ.કોરિયા સાથેની સંયુક્ત સરહદવાળા વિસ્તારોમાં સેના મોકલવાનું શરૂ કર્યુ

ગઇકાલે પોતાની સરહદમાં આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારત ઉડાવાી દીધા પછી ઉત્તર કોરિયાએ આજે જણાવ્યું છે કે તે સંયુક્ત સરહદવાળા વિસ્તારોમાં સેનાના જવાનો મોકલી રહ્યું છે ટૂંક સમયમાં સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલની ઘટના પછી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તંગદિલી વધી ગઇ છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા આ હરકતોથી અમેરિકા અને દક્ષિણ કોરિયા પર દબાણ વધારવા માગે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે બે વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલ પરમાણુ મંત્રણા ઘણા સમયથી બંધ છે. ઉત્તર કોરિયા ઇચ્છે છે કે અમેરિકા આ મંત્રણા ફરીથી શરૂ કરે.  જો કે ઉત્તર કોરિયાની કાર્યવાહી અને ઉશ્કેરણીથી અત્યાર સુધી દક્ષિણ કોરિયાને કોઇ નુકસાન થયું નથી પણ આના કારણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબધો વધુ ખરાબ થયા છે.

ઉત્તર કોરિયાના જનરલ સ્ટાફના જણાવ્યા અનુસાર ડાયમંડ માઉન્ટન રિસોર્ટ અને કાએસંગ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પલેક્સમાં સૈન્ય એકમો તૈનાત કરવામાં આવશે. આ બંને સ્થળો દક્ષિણ કોરિયાના નાણાંથી બનાવવામાં આવ્યા હતાં પણ ઉત્તર કોરિયા સાથેની તંગદિલીને પગલે આ બંને સ્થળો વર્ષોથી બંધ છે.  આ દરમિયાન દક્ષિણ કોરિયાએ જણાવ્યું છે કે જો ઉત્તર કોરિયા ૨૦૧૮માં થયેલી સમજૂતીનો ભંગ કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

આ દરમિયાન દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ જીયોન ડોંગે પત્રકારોને જણાવ્યું હતું કે અમારી સેના કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. બીજી તરફ ઉત્તર કોરિયાની બાબતોના દક્ષિણ કારિયા વચ્ચેના ઉચ્ચ અધિકારીએ તંગદિલી વધવાને પગલે પોતાના પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જો કે દક્ષિણા કોરિયાના પ્રમુખ આ રાજીનામાનો સ્વીકાર કરશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.