સુશાંતના આપઘાત મુદ્દે સલમાન, એકતા, કરણ, ભણસાલી સહિતના આઠ સામે બિહારમાં કેસ નોંધાયો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત મુદ્દે બિહારના વકીલ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદ દાખલ કરી છે. એમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી સહિતના આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંત પાસેથી સાત ફિલ્મો છીનવી લેવામાં આવી હતી, જેના કારણે તે આપઘાત કરવા મજબૂર બન્યો હતો.

મુઝફ્ફરપુર કોર્ટમાં એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદ કરી હતી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને છેલ્લાં થોડાં સમયથી સાત ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. એ પાછળ સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર અને કરણ જોહર જવાબદાર હતા એવું કહીને એ અરજીમાં બોલિવૂડના આઠ લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદી સુધીર કુમારે દાવો કર્યો હતો કે સુશાંતને સાત ફિલ્મોમાંથી હટાવી દેવા ઉપરાંત તેની જે ફિલ્મો રીલિઝ થવાની હતી, તેને અટકાવી દેવામાં પણ બોલિવૂડના આ સેલિબ્રિટિઝનો હાથ હતો. આ પરિસ્થિતિના કારણે સુશાંત માટે એવી હાલત થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરવી પડી.

કેસ નોંધાયા પછી એકતા કપૂરનું ઈન્સ્ટાગ્રામ ઉપર રિએક્શન આવ્યું હતું. એકતાએ લખ્યું હતું કે સુશીને કાસ્ટ ન કરવા બદલ કેસ કર્યો તે માટે આભાર, પણ હું જણાવી દઉં કે મેં જ તેને લોંચ કર્યો હતો. આ બધી અટકળોથી હું અપસેટ છું. મહેરબાની કરીને સુશાંતના ફ્રેન્ડ્સ અને તેના પરિવારને શાંતિથી રહેવા દો.

સુશાંત સિંહ રાજપૂતની આપઘાતની ઘટના પછી બોલિવૂડમાં પરિવારવાદની ચર્ચા જાગી છે. પરિવારની બહારની લોકોને તક આપવામાં ભેદભાવ થાય છે એવા મુદ્દે જૂના આવા આપઘાતના કેસ પણ જાણે કે રીઓપન થઈ રહ્યાં છે. અભિનેત્રી જિયા અલી ખાનની માતા રાબિયાએ જિયાના આપઘાત માટે સલમાન ખાન ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો. એક વીડિયોમાં રાબિયા ખાને કહ્યું હતું કે સૂરજ પંચોલી ઉપર કેસ ચાલતો હતો ત્યારે સલમાને ફોન કરીને તપાસ અધિકારીને કેસ નબળો પાડવા કહ્યું હતું.

આ આરોપ પછી સૂરજ પંચોલીની માતા ઝરીના વહાબે સલમાનનો બચાવ કરતા કહ્યું હતું કે સલમાને એવો કોઈ જ ફોન ક્યારેય કોઈને કર્યો હોવાની શક્યતા નથી. સલમાન ખૂબ ભલો માણસ છે. તેના ઉપર આવા ખોટા આરોપ લગાડનાર રાબિયાએ માનસિક ઈલાજ કરાવવો જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.