સર્વદળીય બેઠકમાં ઉદ્ધવ ઠાકરે ચીની રોકાણ મામલે રાષ્ટ્રીય નીતિનું ઘડતર કરવા PM મોદી પાસે કરશે માંગ

– ચીની કંપનીઓ દ્વારા ભારતમાં કરવામાં આવતા રોકાણ, ભારતના પ્રોજેક્ટ્સમાં રોકાણ અંગે થોડા નિયમો અને નીતિ નિર્ધારીત કરવા શિવસેનાની માંગ

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક સર્વદળીય બેઠક યોજાશે. આ બેઠકમાં કુલ 17 રાજકીય દળોના નેતાઓ સહભાગી બનશે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં ચીની રોકાણ અંગે એક રાષ્ટ્રીય નીતિના ઘડતરની માંગણી કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આજની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આ મુદ્દાની રજૂઆત કરશે. તેઓ ચીનના રોકાણ અંગે રાષ્ટ્રીય નીતિ ઉપરાંત તેના સાથેના પ્રોજેક્ટ્સ માટેની નીતિની માંગ પણ કરી શકે છે.

શિવસેનાની માંગણી છેકે કેન્દ્ર સરકાર એક નીતિ બનાવે જેમાં ચીની કંપનીઓ દ્વારા ભારતમાં કરવામાં આવતા રોકાણ, ભારતના પ્રોજેક્ટ્સમાં રોકાણ અંગે થોડા નિયમો અને નીતિ નિર્ધારીત થાય.

ઉલ્લેખનીય છેકે ગત 15 જૂનના રોજ ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા અને ત્યાર બાદ દેશભરમાં ચીન વિરૂદ્ધ રોષની લાગણી વ્યાપી છે. દેશના વિવિધ શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરીને ચીન વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે.

ભારત સરકારનું સખત વલણ

ભારતીય રેલવેએ ગુરૂવારે ચીનની કંપનીને આપવામાં આવેલો એક કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. આશરે ચારેક વર્ષ પહેલા ચીની કંપનીને સિગ્નલ સિસ્ટમ લગાવવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ તેણે ખૂબ જ ધીમી ગતિએ કામ કર્યું. આ લાપરવાહી અંગે એક્શન લેવાના નામે સરકારે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો.

તે સિવાય થોડા દિવસ પહેલા સરકારે બીએસએનએલ-એમટીએનએલ સહિત અન્ય ટેલિકોમ કંપનીઓને ચીની વસ્તુઓ પરની નિર્ભરતા ઘટાડવા કહ્યું હતું.

આજે સાંજે યોજાનારી બેઠકમાં કુલ 17 રાજકીય દળના નેતાઓ સામેલ થશે. સોનિયા ગાંધી, માયાવતી, શરદ પવાર, નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હિસ્સો લેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.