ચીનને તેની જ ભાષામાં જવાબ મળશે, ભારતીય સેનાએ બદલી નાંખ્યા નિયમ

ચીનના સૈનિકોએ લદ્દાખ મોરચે ગલવાન ખીણમાં જે રીતે દંડાઓ અને સળિયા વડે ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો તે પછી ચીનની દગાબાજી સામે દેશમાં ભારે રોષ છે.

ભારતના 20 જવાનો શહીદ થયા બાદ હવે સેનાએ પણ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનુ નક્કી કર્યુ છે.સેના સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે ભારતીય સેનાએ ચીન સરહદ પરના નિયમો હવે બદલી નાંખ્યા છે.ભારતના સૈનિકોને પણ સજ્જ કરવામાં આવી રહ્યા છે.જેથી તેઓ પણ ચીનને તેની જ ભાષામાં જવાબ આપી શકે.

સેના સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યુ હતુ કે, ભવિષ્યમાં ચીનના સૈનિકો લાઠી, પથ્થર અને બીજા હથિયારોથી હુમલો કરશે તો ભારતની સેના પણ તે જ ભાષામાં ચીનને જવાબ આપશે.નિયમ બંને દેશ માટે બરાબર છે અને તેનુ પાલન કરવામાં કોઈ કસર બાકી નહી રખાય.

સેનાના સૂત્રોના મતે સોમવારની રાતે થયેલી અથડામણ અચાનક નહોતી પણ ચીનની સેનાએ પહેલેથી જ ઘડી રાખેલુ કાવતરુ હતુ.ચીનના સૈનિકોએ તેના ભાગરુપે ભારતની સૈન્ય ટુકડીના કમાન્ડર પર હુમલો કર્યો હતો.

સૂત્રોના કહેવા પ્રમાણે સરહદ પર ભારતીય સેનાને બહુ ઝડપથી હળવાથી ભારે હથિયારોનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.ભારત પોતાની પોઝિશન પરથી એક ઈંચ પાછળ નહી હટે.

બીજી તરફ ચીન ગલવાન ખીણમાંથી પાછળ હટવા તૈયાર નથી.સેટેલાઈટ તસવીરો બતાવી રહી છે કે, અહીંયા ચીને પોતાની પોઝિશન વધારે મજબૂત કરી છે.તસવીરોમાં 200 કરતા વધારે ટ્રકો અને સંખ્યાબંધ ટેન્ટો નજરે પડી રહ્યા છે.

સૂત્રોનુ કહેવુ છે કે, ચીનના સૈનિકોએ હુમલા માટે પૂરી તૈયારી કરી રાખી હતી.તેમની પાસે લોખંડના સળિયા હતા અને તેના પર અણીદાર ખીલાઓ ફીટ કરવામાં આવ્યા હતા અને તેના પર કાંટાળા વાયર પણ બાંધેલા હતા.એટલુ  જ નહી ચીને પથ્થરો પણ જમા કરી રાખ્યા હતા.ઉંચાઈ પરથી તેમણે પથ્થરમારો કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.