ચાર અફસર સહિત કબજામાં રાખેલા દસ ભારતીય સૈનિકોને ચીને મુક્ત કર્યા

ગલવાનમાં મધરાતે થયેલા દંગલ પછી ચીને કેટલાક ભારતીય સૈનિકોને અપહૃત કર્યા હતા. ગુરુવારે સાંજે ચીને ભારતીય સૈન્યના ચાર અફસર સહિત કુલ દસ સૈનિકોને  મુક્ત કર્યા હતા. ૧૫મીની દુર્ઘટના પછી ભારત-ચીનના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટા-ઘાટો ચાલતી હતી. તેનો મુખ્ય વિષય જ આ સૈનિકોને મુક્ત કરાવાનો હતો. ચીન સૈનિકો મુક્ત કરવા તૈયાર થયું છે એવી ખાતરી પછી જ ઈન્ડિયન આર્મીએ ગુરુવારે જાહેર કર્યું હતું કે કોઈ સૈનિક ગુમ નથી થયો. ત્યારે આર્મીએ સ્પષ્ટ કર્યું ન હતું કે અમુક સૈનિકો ચીનના કબજામાં છે. ચીને ભારતીય સૈનિકોને પોતાના કબજામાં રાખ્યા હોય  એવી ઘટના ૧૯૬૨ના યુદ્ધ પછી પહેલી વાર બની હતી.

આર્મીએ ગુરુવારે સ્ટેમેન્ટ આપ્યું હતું કોઈ સૈનિક મિસિંગ નથી. આર્મીનું એ સ્ટેમેન્ટ ખોટું ન હતું. કેમ કે કોઈ સૈનિક લડત દરમિયાન ગુમ થયા હોય તો તેને મિસિંગ ઈન એક્શન કહેવાય. પરંતુ ભારતના કોઈ સૈનિકો ગુમ થયા નથી, અમુક ચીન પાસે હતા, બાકીના ભારતમાં સારવાર લઈ રહ્યા હતા અને ૨૦ શહીદ થયા હતા. એટલે કે આર્મીને પોતાના સૈનિકોની સંપૂર્ણ  જાણકારી હતી. ચીને બુધવારે જ જાણકારી આપી હતી કે ૧૦ સૈનિકો અમારા કબજામાં છે પરંતુ અમે કોઈને ઈજા પહોંચાડી નથી કે ટોર્ચર કર્યા નથી. સમાચાર વેબસાઈટ ધ પ્રિન્ટ પર આ અહેવાલ રજૂ થયો હતો.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહો લિજાને બિજિંગમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અત્યારે કોઈ ભારતીય અમારા કબજામાં નથી. તેમણે આ વાત શુક્રવારે કહી  હતી, ભારતીય સૈનિકોને ગુરુવારે મુક્ત કરી દેવાયા  હતા. એટલે ઝાહોએ આડકતરી રીતે સ્વિકાર્યું હતું કે અત્યારે કોઈ કબજામાં નથી, પણ અગાઉ  હતા. ઝાહોએ સવાલના જવાબમાં સ્પષ્ટ કહ્યું હતું કે આ ક્ષણે  ચીન પાસે કોઈ ભારતીય સૈનિકો નથી. ભારતના સૈનિકો મુક્ત થયા પછી પણ લશ્કરી વાટા-ઘાટો ચાલુ જ રહેશે. પરંતુ બંધક સૈનિકો મુક્ત થયા પછી ભારત માટે હવે આકરી કાર્યવાહી કરવાની સરળતા રહેશે.

ચીન સામે મર્યાદિત લશ્કરી કાર્યવાહી આવશ્યક

ભારત-ચીન બન્નેમાંથી કોઈ દેશને યુદ્ધ કરવું પોસાય એમ નથી. પરંતુ ચીન ભવિષ્યમાં આવી અવળચંડાઈ કરતાં પહેલા સાત વખત વિચાર કરે એ માટે લિમિટેડ લશ્કરી કાર્યવાહી આવશ્યક છે.  સંરક્ષણ સાથે સંકળાયેલા ઊચ્ચ  અધિકારીઓ માને છે કે વાતોથી ચીન સુધરે એવી આશા રાખવી વ્યર્થ છે. મર્યાદિત માત્રામાં લશ્કરી  કાર્યવાહી થવી જોઈએ. પરંતુ  લશ્કરી કાર્યવાહી ત્યારે જ શક્ય બને જ્યારે દિલ્હી સરકાર મક્કમતાપૂર્વક નિર્ણય લઈને સેનાને આદેશ આપે. લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય ક્યારેય સેના લેતી નથી, એ નિર્ણય દિલ્હીમાંથી જ લેવાનો હોય છે. એક વખત નિર્ણય લેવાયા પછી કાર્યવાહી કેમ કરવી એ સેનાના હાથમાં હોય છે.

સૈન્ય લડત આપવા તૈયાર રહે : ઝિનપિંગનો આદેશ

ચીનના ઈરાદા ધીમે ધીમે જગત સામે આવી રહ્યાં છે. ચીની પ્રમુખ ઝિનપિંગે આજે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીને પડકારજન સ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યોહતો. ટેલિકોન્ફરન્સિંગથી સૈનિકોને સંબોધતી વખતે ઝિનપિંગે કહ્યું હતું કે સૈન્યએ પરિણામલક્ષી સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. આગામી સમયના પડકારો નવા હશે અને તેનું મેનેજમેન્ટ કરવા માટે સૈન્યએ વધારે સક્ષમ થવાની જરૂર છે, એવી સલાહો તેમણે આપી હતી.  ભારત-ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે  ઝિનપિંગે આ વિધાન કરીને ભારતને ધમકાવવાનો આડકતરી રીતે પ્રયાસ કર્યો હતો. પહેલેથી જ  લદ્દાખ સરહદે ચીને દસ હજારથી વધારે સૈનિકો ગોઠવી રાખ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.