Solar Eclipse 2020: શરૂ થયું વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, જયપુર અને કુરૂક્ષેત્રમાં છે આવું દ્રશ્ય

વર્ષના સૌથી મોટા દિવસ એટલે કે આજે 21મી જૂનના રોજ સૂર્યગ્રહણની શરૂઆત થઈ ગઈ છે. 25 વર્ષ બાદ પ્રથમ વખત આજે વલયાકાર એટલે કે રિંગ (વીંટી) જેવું ગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રહણ દરમિયાન ભારતના અનેક શહેરોમાં આકાશમાં સૂર્ય ફરતે એક ચમકતી રિંગ જોવા મળશે. અગાઉ 1995ના વર્ષમાં આ પ્રકારનું ગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 9:15 કલાકે થઈ હતી અને તે બપોરે 3:04 કલાકે સમાપ્ત થશે.

જ્યોતિષોના કહેવા પ્રમાણે આશરે પાંચ કલાક 49 મિનિટ એટલે કે આશરે છ કલાકના આ ગ્રહણમાં ગ્રહોના સંયોગથી અનેક પરિણામો જોવા મળી શકે છે. સૂર્યગ્રહણ ભલે એક ખગોળીય ઘટના હોય પરંતુ ધર્મ-જ્યોતિષ અને વિજ્ઞાનમાં તેના પોતાના અર્થ છે.

જ્યોતિષોનું માનીએ તો મહામારી દરમિયાન સર્જાતું સૂર્યગ્રહણ ખૂબ જ અશુભ છે. તે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં રોગ અને મહામારીવાળું ગ્રહણ સાબિત થઈ શકે છે. હાલ જયપુર અને કુરૂક્ષેત્રમાં સૂર્યગ્રહણની શરૂઆત થઈ ગઈ છે.

સૂર્યગ્રહણ કયા શહેરમાંક્યારે શરૂ થશે

શહેર ગ્રહણની શરૂઆત ગ્રહણનો અંત

ગયા સવારે 10:36 કલાકે બપોરે 02:09 કલાકે

ગોરખપુર સવારે 10:32 કલાકે બપોરે 02:05 કલાકે

ચેન્નાઈ સવારે 10:22 કલાકે બપોરે 01:41 કલાકે

જલંધર સવારે 10:20 કલાકે બપોરે 01:44 કલાકે

સુરત સવારે 10:03 કલાકે બપોરે 01:31 કલાકે

સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?

આજે એટલે કે 21મી જૂનના રોજ સર્જાનારૂ સૂર્યગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળશે. સૂર્યગ્રહણ ભારત, પાકિસ્તાન, ચીન, સેન્ટ્રલ આફ્રિકાના દેશ, કોન્ગો, ઈથોપિયા, નોર્થ ઓફ ઓસ્ટ્રેલિયા, હિંદ મહાસાગર અને યુરોપના વિભિન્ન દેશોમાં જોવા મળશે. રાજસ્થાનના સુરતગઢ અને અનુપગઢ, હરિયાણાના સિરસા, રતિયા અને કુરૂક્ષેત્ર તથા ઉત્તરાખંડના દેહરાદૂન, ચંબા, ચમોલી અને જોશીમઠ જેવા ક્ષેત્રોમાં એક મિનિટ સુધી ‘અગ્નિ વલય’ જોવા મળશે.

રિંગ ઓફ ફાયર જેવો દેખાશે સૂર્ય 

સૂર્યગ્રહણ દરેક શહેરમાં અલગ-અલગ સમયે જોવા મળશે. નિષ્ણાંતોના મતે નવી દિલ્હીમાં સવારે 10:15 કલાકે સૂર્યગ્રહણની શરૂઆત થશે અને તે બપોરે 1:44 કલાકે સમાપ્ત થશે. ઉત્તરી રાજ્યો રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડમાં સૂર્યગ્રહણની વલયાકાર એટલે કે સંપૂર્ણ રીંગ જેવી અવસ્થા જોવા મળશે જ્યારે દેશમાં બાકીના સ્થળોએ આંશિક સૂર્યગ્રહણ થશે. દેહરાદૂન, કુરૂક્ષેત્ર, ચમોલી, જોશીમઠ, સિરસા, સુરતગઢ- આટલા સ્થળોએ સૂર્યગ્રહણ સંપૂર્ણ રિંગ ઓફ ફાયર જેવું દેખાશે. આ સ્થળોએ 98.6 ટકા જેટલી સૂર્યગ્રહણની પૂર્ણ રિંગ જોવા મળી શકે છે.

કેવી રીતે જોઈ શકાય સૂર્યગ્રહણ?

Slooh નામની યુટ્યુબ ચેનલ પર લાઈવ સૂર્યગ્રહણ જોઈ શકાશે. તે સિવાય NASA પણ લાઈવ સૂર્યગ્રહણનું દર્શન કરાવશે. સૂર્યગ્રહણને આ રીતે જોવું જ યોગ્ય રહેશે કારણ કે નરી આંખે સૂર્યગ્રહણ જોવાથી આંખોને ખૂબ જ નુકસાન થઈ શકે છે. સોલર ફિલ્ટર ચશ્મા કે ટેલિસ્કોપ વડે સૂર્યગ્રહણ જોઈ શકાય છે. તે સિવાય સૂર્યગ્રહણ જોવા માટે બજારમાં અનેક પ્રકારના સર્ટિફાઈડ ચશ્મા મળે છે.

સૂર્યગ્રહણ દરમિયાન ન કરશો આ કામ

જ્યોતિષોના કહેવા પ્રમાણે ગર્ભવતી મહિલાઓએ સૂર્યગ્રહણ જોવાથી બચવું જોઈએ. બની શકે તો ગ્રહણ સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન ગ્રહણ જોવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને શારીરિક કે માનસિક સમસ્યા થઈ શકે છે. જ્યોતિષોના મતે ગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી બચવું જોઈએ. જો કે ગ્રહણનો આ નિયમ બાળકો, બીમાર લોકો અને વૃદ્ધ લોકો પર લાગુ નથી થતો.

સૂર્યગ્રહણ સમયે આ મહામંત્રોનો જાપ કરો

આ વખતનું સૂર્યગ્રહણ મંગળના નક્ષત્રમાં જોવા મળશે. જ્યોતિષોના કહેવા પ્રમાણે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર આ સૂર્યગ્રહણની નકારાત્મક અસરો પડી શકે છે. હાલ રાહુ-કેતુ સહિત છ ગ્રહો વક્રીમાં છે ત્યારે આ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. જ્યોતિષોના મતે ગ્રહણ કાળમાં કેટલાક મંત્રોનો જાપ કરવાથી માથા પરનું સંકટ ટળી શકે છે.

1. “तमोमय महाभीम सोमसूर्यविमर्दन। हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव॥१॥”

2.“विधुन्तुद नमस्तुभ्यं सिंहिकानन्दनाच्युत। दानेनानेन नागस्य रक्ष मां वेधजाद्भयात्॥२॥”

3. “ॐ आदित्याय विदमहे दिवाकराय धीमहि तन्न: सूर्य: प्रचोदયાત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.