LAC ખાતે નાની એવી સૂચના મળતા જ આપણે સ્થિતિને સંભાળી લેવા માટે તૈયાર છીએઃ ભદોરીયા

ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે બેઠક યોજી રહ્યા છે જેમાં ત્રણેય સેનાના પ્રમુખો ઉપરાંત સીડીએસ બિપિન રાવત પણ સામેલ થશે. આ બેઠકમાં લદ્દાખની જમીની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે અને સાથે જ એલએસી ખાતેની તૈયારીઓની તપાસ કરાશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ પણ આ મુદ્દે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક યોજેલી છે. લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ જળ, થલ અને વાયુસેના સંપૂર્ણપણે એલર્ટ પર છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ આર્મી ડિફેન્સ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે 18 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં ત્રણેય સેનાને હાઈ એલર્ટ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આશરે 3,500 કિમી લાંબી ચીની સરહદ પર ભારતીય સૈન્ય નજર રાખીને બેઠું છે. આ તરફ ચીની નૌસેનાને આકરો સંદેશો આપવા ભારતીય નૌસેના પણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની તૈનાતી વધારી રહી છે. તે સિવાય સેનાએ પહેલેથી જ અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે તમામ ફ્રન્ટલાઈન ઠેકાણાઓ પર વધારાના જવાનો તૈનાત કરી દીધા છે. વાયુસેનાએ પણ પહેલેથી પોતાના તમામ ફોરવર્ડ લાઈન બેઝમાં એલએસી અને બોર્ડર એરિયા પર નજર રાખવા એલર્ટ સ્તર વધાર્યું છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ આપણે કોઈ પણ કિંમતે આપણા સાર્વભૌમત્વની રક્ષા કરીશું તેમ કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આપણા ક્ષેત્રમાં સુરક્ષા પરિદૃશ્ય બતાવે છે કે આપણું સશસ્ત્ર દળ દરેક સમયે તૈયાર અને સતર્ક રહે છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ખાતે નાની એવી સૂચના મળતા જ આપણે સ્થિતિને સંભાળી લેવા માટે તૈયાર છીએ. હાલ ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ વ્યાપેલી છે અને કોઈ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે સેનાથી લઈને વાયુસેના એલર્ટ પર છે. વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયાએ બુધવારે મોડી રાતે લેહ એરબેઝની મુલાકાત લીધી હતી. વાયુસેના હાલ લેહ-લદ્દાખ ક્ષેત્રમાં એલર્ટ પર છે ત્યારે તેમની આ મુલાકાતનું મહત્વ વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.