લદ્દાખમાં LAC ખાતે ચીની સેના સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા તેને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી રહ્યા છે. સૈનિકોની વીરગતિ મામલે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને સવાલો કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ રવિવારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી હકીકતમાં સરેન્ડર મોદી છે.’ તેમણે જાપાન ટાઈમ્સનો એક લેખ શેર કરવાની સાથે આ વાત રજૂ કરી હતી. લેખમાં ભારતની વર્તમાન નીતિને ચીનની તૃષ્ટિકરણવાળી ગણાવી છે.
અગાઉ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીએ ગાલવાનમાં હિંસક અથડામણ મુદ્દે ચર્ચા કરવા શુક્રવારે યોજેલી સર્વદળીય બેઠક બાદ જે નિવેદન આપેલું તેને લઈ સવાલો કર્યા હતા. હકીકતે વડાપ્રધાને કોઈ આપણી સરહદમાં નથી ઘૂસ્યુ અને આપણી પોસ્ટ કોઈ બીજાના કબજામાં નથી તેવું નિવેદન આપ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, લદ્દાખમાં આપણા 20 વીર જવાનો શહીદ થયા પરંતુ તેમણે ભારત માતા સામે આંખ ઉઠાવીને જોનારાઓને પાઠ ભણાવી દીધો હતો.
વડાપ્રધાન મોદીના આ નિવેદન મામલે રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, જો ભારતીય જવાનો શહીદ થયા તે જમીન ચીનની હતી તો આપણા જવાનોને શા માટે મારવામાં આવ્યા અને તેઓને ક્યાં મારવામાં આવ્યા?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.