જયપુર: ચીન વિરૂદ્ધનો રોષ ભભૂક્યો, વેપારીઓએ લગાવ્યા #BoycottChinaના 15000 પોસ્ટર્સ

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ખાતે 20 ભારતીય જવાનો શહીદ થયા ત્યાર બાદ દેશમાં ચીન વિરૂદ્ધનો ગુસ્સો વધી રહ્યો છે. તેને લઈ વિવિધ સ્થળે પ્રદર્શનો થઈ રહ્યા છે અને ચીનનો બહિષ્કાર કરવાની માંગણી થઈ રહી છે. આ બધા વચ્ચે જયપુરમાં વેપારીઓએ દરેક દુકાનમાં ચાઈનીઝ સામાનના બહિષ્કારના પોસ્ટર લગાવવાનો નિર્ણય લીધો છે.

જયપુરના વેપારી મંડળે આજે જયપુરના રાજા પાર્ક ખાતે દુકાનોમાં 15,000 પોસ્ટર્સ લગાવીને તેની શરૂઆત કરી હતી. તે સિવાય જયપુર વેપારી મંડળે નિર્ણય લીધો છે કે હવે દુકાનોમાં કોઈ પણ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની ચાઈનીઝ પ્રોડક્ટ્સનું ડિસ્પ્લે નહીં કરવામાં આવે. જે લોકો ચાઈનીઝ મોબાઈલ ખરીદવા આવશે તેમને સેમસંગ અને નોકિયાના મોબાઈલ દેખાડવામાં આવશે.

તે સિવાય જયપુર વેપારી મંડળ જયપુરમાં ફરતા વાહનો પર બોયકોટ ચાઈનાના સ્ટીકર્સ લગાવશે. જયપુર વેપારી મંડળના અધ્યક્ષ લલિત સિંહે જણાવ્યું કે, દેશભરના વેપારી મંડળના ફોન આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ દેશભરના વેપારી મંડળના લોકો એકસાથે ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારનો નિર્ણય લેશે.

લલિત સિંહના કહેવા પ્રમાણે દુકાનદારો પણ તેમના આ અભિયાનમાં સાથે જોડાવા માટે તૈયાર છે અને તેઓ ગ્રાહકોને પણ જાગૃત કરશે. રાજા બજાર વેપાર મંડળના અધ્યક્ષ રવિ નૈયરે જણાવ્યું કે, વેપારીઓ દેશ માટે નુકસાન સહન કરવા તૈયાર છે. આ વખતે લોકોના મનમાં ચીનને લઈ ભારે રોષ છે અને તેને પાઠ ભણાવવા પ્રયત્નો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત 15 જૂનના રોજ રાતના સમયે ગાલવાન ઘાટીમાં ચીન સાથે લોહીયાળ અથડામણ થઈ હતી જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા અને 70થી વધારે જવાનો ઘાયલ થયા હતા. ચીની સૈનિકોએ દગાપૂર્વક ભારતીય સેના પર હુમલો કરી દીધેલો. ચીનના આ છળને લઈ દેશભરના લોકો રોષમાં છે અને વિવિધ સ્થળે ચીન વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.