કાર્યક્રમમાં ચીનના વિદેશ મંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત પરંતુ રાજનાથ સિંહ તેમની દ્વિપક્ષીય મુલાકાત નહીં લે
કહેવત છે કે મુશ્કેલીના સમયે જે આપણો સાથ આપે તે જ આપણો સાચો મિત્ર કહેવાય. ભારત અને ચીન વચ્ચે હાલ તણાવની સ્થિતિ વ્યાપેલી છે ત્યારે ભારતનો જૂનો મિત્ર દેશ રશિયા સંકટ સમયે સાથ આપવા આગળ આવ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલ રશિયાની મુલાકાતે છે ત્યારે રશિયાએ તમામ સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે જેમાં હથિયારોના ઝડપી સપ્લાયનો પણ સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે રશિયામાં પોતાના સંબોધનમાં કહ્યું કે, મને આશા છે કે બને તેટલી ઝડપથી રશિયા ભારતને હથિયાર પૂરા પાડશે અને ભારતની તમામ માંગને પૂરી કરવામાં આવશે. તેના જવાબમાં રશિયાના ડેપ્યુટી પીએમ વાય. બોરિસોવે પણ વિશ્વાસ અપાવ્યો કે જો કદી પણ ભારતની અખંડિતતા અને એકતા સામે સવાલ સર્જાશે તો તેમનો તમામ પ્રયત્ન બની શકે તેટલી રીતે ભારતને સાથ આપવાનો હશે. સાથે જ વર્તમાન સ્થિતિ અંગે ભારત એક શાંતિપ્રિય દેશ છે તેમ કહ્યું હતું.
ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે તેવા સમયમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાની વિક્ટ્રી ડે પરેડમાં સામેલ થવા પહોંચ્યા છે. આ કારણે આશા છે કે ભારતને S-400 એન્ટી મિસાઈલ સિસ્ટમ સહિતના અનેક મહત્વપૂર્ણ હથિયારો મળશે. રશિયા પાસેથી ભારતે આના સિવાય પણ અનેક હથિયારો લેવાના છે જેના ઓર્ડર અપાઈ ચુક્યા છે અને કેટલાકનું પેમેન્ટ પણ થઈ ગયું છે.
આ તમામ હથિયારોની ડિલિવરી આગામી વર્ષે ડિસેમ્બર મહીના સુધીમાં થવાની હતી પરંતુ હવે તે સમયને ઘટાડવામાં આવશે તેવી સહમતી સધાઈ છે. અગાઉ પણ અનેક વખત એવું બનેલું છે કે જ્યારે ભારતને જરૂર હોય ત્યારે રશિયાએ તરત હથિયારો સોંપ્યા હોય. રાજનાથ સિંહ જે કાર્યક્રમમાં સહભાગી બનવા પહોંચ્યા છે ત્યાં સમગ્ર વિશ્વના નેતાઓ પણ ઉપસ્થિત છે. ચીનના સંરક્ષણ મંત્રી સહિત અનેક મોટા અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે પરંતુ ભારતીય મંત્રી આ વખતે તેમની મુલાકાત નહીં લે. જો કે બંને મંત્રીઓ વિક્ટ્રી ડે પરેડમાં સામેલ થશે પરંતુ દ્વિપક્ષીય મુલાકાત નહીં યોજાય.
તે સિવાય મંગળવારે ભારત, ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે જે ચર્ચા જામી તેમાં પણ ભારતે ઘણું સંભળાવ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કોઈ પણ જાતના ડર વગર કહ્યું કે, જે દેશ પોતાને મોટો માનતો હોય ત્યારે હવે જરૂર છે કે તે આંતરરાષ્ટ્રીય નિયમોનું પણ પાલન કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.