બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય તાણાવાણા ગૂંથાવા ચાલુ થઈ ગયા છે. ત્યારે ચૂંટણી પહેલા જ આરજેડીમાં રાજકીય ભૂકંપ ત્રાટક્યો છે. આરજેડીના પાંચ એમએલસી પાર્ટી છોડીને જેડીયુમાં જોડાઈ ગયા છે. આટલું જ નહીં આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે પણ પોતાના પદેથી રાજીનામુ ધરી દીધું છે. લાલુ પ્રસાદ યાદવના અંગત ગણાતા રઘુવંશ પ્રસાદના રાજીનામાને પાર્ટી માટે એક ભારે મોટા ઝાટકા તરીકે જોવામાં આવે છે.
પૂર્વ સાસંદ રામા સિંહને આરજેડીમાં સામેલ કરવાને લઈ રઘુવંશ પ્રસાદ નારાજ છે. જો કે તેઓ અગાઉ પણ ઘણી વખત નારાજ થઈ ચુક્યા છે પરંતુ દર વખતે લાલુ યાદવ તેમને મનાવી લેતા હતા. આ વર્ષના ફેબ્રુઆરી મહીના દરમિયાન લાલુ યાદવે નારાજ રઘુવંશ સાથે જેલમાં મુલાકાત યોજી હતી અને તેમને ‘તમે પાર્ટીના વરિષ્ઠ છો, તમે જ નારાજ થઈ જશો તો કામ કેવી રીતે થશે?’ તેમ કહીને મનાવ્યા હતા.
રઘુવંશ પ્રસાદ આરજેડીના અમુક પસંદગીના એવા નેતાઓમાં સ્થાન ધરાવે છે જેમણે પાર્ટીને ટોચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય. તેઓ આરજેડીના એવા ગણતરીના નેતાઓમાં સ્થાન ધરાવે છે જેમના પર કદી ભ્રષ્ટાચાર કે ગુંડાગીરીનો આરોપ નથી લાગ્યો. લાલુ યાદવના જેલમાં ગયા બાદ પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓની તંગી સર્જાઈ છે ત્યારે રઘુવંશ પ્રસાદની નારાજગી આરજેડી અને તેજસ્વી યાદવને મોંઘી પડી શકે છે. તેઓ પાર્ટીનો એવો ચહેરો ગણાય છે જે પાર્ટીના વરિષ્ઠ કાર્યકરોને પાર્ટી સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોય.
રઘુવંશ પ્રસાદે ગણિતમાં એમએસસી અને પીએચડી કરેલું છે અને તેમણે લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયેલા આંદોલનોમાં ભાગ લેવાનું ચાલુ કર્યું હતું. 1973માં તેમને સંયુક્ત સોશિયલ પાર્ટીના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1977માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ છેક 1985 સુધી બેલસંડ ખાતે તેમના વિજયનો સિલસિલો ચાલતો આવ્યો હતો. તે વખતે વચ્ચે જ 1988માં કર્પૂરી ઠાકુરનું અચાનક અવસાન થયું હતું.
તે સમયે બિહારમાં જગન્નાથ મિશ્રની સરકાર હતી અને લાલુ યાદવ કર્પૂરીની જગ્યા પર પોતાનો દાવો કરી રહ્યા હતા. તેવા સમયે રઘુવંશ પ્રસાદે લાલુ યાદવને સાથ આપેલો અને તેમના ગાઢ સંબંધોની શરૂઆત થઈ હતી. 1990માં બિહાર વિધાનસભા ચૂંટણી વખતે રઘુવંશ પ્રસાદ સામે કોંગ્રેસના દિગ્વિજય પ્રતાપ સિંહ ઉભા રહ્યા હતા અને પ્રસાદ 2,405 મતથી હારી ગયા હતા.
વિધાનસભા ચૂંટણીમાં રઘુવંશ પ્રસાદની હાર થઈ હતી પરંતુ સુબામાં જનતા દળનો વિજય થયો હતો અને લાલુ યાદવ નાટકીય રીતે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા હતા. લાલુ યાદવને 1988માં પ્રસાદે જે મદદ કરેલી તે યાદ હતું માટે તેમને વિધાન પરિષદ મોકલી આપ્યા હતા અને 1995માં તેમને લાલુ મંત્રીમંડળમાં મંત્રી બનાવી દેવાયા હતા.
રઘુવંશ પ્રસાદને પાર્ટીમાં સામેલ કરવા માંગતી હતી કોંગ્રેસ
2009માં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આરજેડીએ કોંગ્રેસને બહારથી સમર્થન આપ્યું હતું. જો કે
મનમોહન સિંહ તે સમયે રઘુવંશ પ્રસાદ સિંહને ફરીથી ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવા માંગતા હતા. પરંતુ આરજેડીએ સરકારમાં સામેલ થવાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. તે સમયે કોંગ્રેસે રઘુવંશ સમક્ષ કોંગ્રેસમાં જોડાવાનો પ્રસ્તાવ મુકેલો જેને તેમણે નકારી દઈને લાલુ યાદવ સાથે રહેવાનું પસંદ કરેલું.
પરંતુ આજે જ્યારે આરજેડીમાં બહુબલી રમા સિંહની એન્ટ્રી થઈ રહી છે તો રઘુવંશ પ્રસાદ નારાજ છે અને તેમણે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. જોવાનું એ રહે છે કે આ વખતે લાલુ યાદવ તેમને મનાવવામાં સફળ થશે કે પછી રઘુવંશ પ્રસાદ પોતાનું નવું રાજકીય ઠેકાણું શોધે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.