ઘોર બેદરકારીઃ સોલા સિવિલના પ્રાંગણમાં ચેપી કચરાની થેલીઓનો ઢગલો, મહામારી ફેલાવાનો ભય

સોલા સિવિલના પ્રાંગણમાં ખુલ્લામાં પડેલો ચેપી કચરાની થેલીઓનો ઢગલો

– કોરોનાના કેર દરમ્યાન હોસ્પિટલોના કચરામાં 10 ગણો વધારો
– SVPમાં રોજ 5000 કિલો કચરો નીકળ્યો: ખાનગી હોસ્પિટલો, ઘેરબેઠાં સારવાર લેતા દર્દીઓને ત્યાં પણ કચરાનો ઢગલો,

અમદાવાદમા મ્યુનિ.ની, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કચરાના ઢગલાં થયા છે. કચરો ઉપાડવા નિયુક્ત કરેલી એજન્સીઓ પહોંચી વળતી નથી કે આ દિશામાં ઘોર બેદરકારી સેવવામાં આવી રહી છે પ્રશ્ન છે.

સોલા સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે કચરો ભરેલી પ્લાસ્ટીકની થેલીઓનો ઢગલો એએમસી લખેલી સિલ્વર કચરા પેટીની નજીક થયો છે. ખુલ્લામાં પડેલો કચરો જોખમી હોવાનું તબિબો જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એસવીપીમાં પણ કચરાનો ઢગલો થયો હોવાની વિડીયો અગાઉ વહેતી થઈ હતી ત્યાંના એક અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાંથી 700 કિલોગ્રામ કચરો નીકળશે તેવી ગણતરી સાથેની વ્યવસ્થા કરાઈ હતી, હવે રોજનો 5000 કિલોગ્રામ કચરો નીકળે છે અને ગાડી મોડીવહેલી લેવા આવે તો પ્રશ્ન થતો હોય છે.

અન્ય કોઈ પણ રોગ કરતાં કોરોનામાં પીપીઈ કીટ, માસ્ક, ગ્લોઝ વગેરે વિશિષ્ટ બાબતો ભળતા કચરાની માત્રા પણ 10 ગણી વધી જાય છે. આ અંગે સોલીડવેસ્ટ ખાતાના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મ્યુનિ. હોસ્પિટલોનો કચરો ઉપાડવાની વ્યવસ્થા તેમણે નક્કી કરેલી એજન્સી દ્વારા થતી હોય છે.

જ્યારે સરકારી અને અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી કચરો ઉપાડવવાની વ્યવસ્થા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિયુક્ત એજન્સીઓ દ્વારા થતી હોય છે. બીજી તરફ ઘેર સારવાર લેતા હોય તેવા કોરોનાના દર્દીઓને ત્યાં પણ કચરો ઉપાડવા ભાગ્યે જ કોઈ જતું હોય છે. આ માટેની એજન્સી મ્યુનિ. દ્વારા નક્કી થયેલી છે.

ક્વોરેન્ટાઇન થયેલાં લોકો હોય અને ત્યાં કોરોનાનો કોઈ દર્દી જ ના હોય તો તે ઘરનો કચરો એટલો ચેપી નથી ગણાતો, જેટલો દર્દીના ઘરમાંથી નીકળતો હોય છે તે ગણાય છે. ઉપરાંત પીરાણાની સાઇટ પર આવતા કચરાને વિધીવત દાટવાને બદલે લાંબો સમય ખુલ્લામાં પડયો રહેવા દેવામાં આવતો હોવાની હકીકતો પણ બહાર આવી છે.

મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ કોરોનાના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ કરી, સારવારની – જમવાની વ્યવસ્થા ગોઠવી તેવી જ રીતે હાલ નીકળી રહેલા હોસ્પિટલોના નિયત કરતાં 10 ગણા કચરાના નીકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી શક્યા નથી તેમ સ્પષ્ટ રીતે જણાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.