‘બોયકોટ ચીન’ કરવા જઇએ તો ભારતનું ક્રિકેટ અને સ્પોર્ટસ જગત જ ઠપ થઇ જાય !

સ્પોર્ટસ ગુડઝની કુલ રૂ. 1524 કરોડની આયાતમાંથી રૂ. 960 કરોડ તો ચીનમાંથી થાય 

 

લડાખ સરહદે ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરવા સાથે ભારતના 20 જવાનોને શહીદ કરતા દેશભરમાં ચીનની પ્રોડક્ટસનો બહિષ્કાર કરવાની ઝૂંબેશ તો ઉઠી છે પણ જેમ જેમ નાગરિકોને ખબર પડે છે કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, સ્ટાર્ટ અપથી માંડી પાવર, કેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર, રોડ-રેલ-મેટ્રો પ્રોજેક્ટ, ફોર જી જેવા તમામ સેકટરમાં ચીન પર આપણે ખાસ્સા નિર્ભર છીએ તે જાણી નાગરિકોમાં હતાશા વ્યાપેલી જોઈ શકાય છે. ભારતની આયાત પૈકી 16 ટકા તો માત્ર ચીનથી થાય છે તેની સામે ચીન ભારતથી તેમની કુલ આયાતના બે ટકા જ કરે છે.

હવે એક એવા સેકટર પર પણ નજર પડી છે જેમાં પણ ભારત ચીન પર મદાર રાખે છે અને તે છે રમતજગતનું ક્ષેત્ર. ચીન ભલે ક્રિકેટ નથી રમતું પણ ભારતની ક્રિકેટ બોર્ડ, ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલ અને તેની ટીમો તે તમામમાં ચીને જે ભારતની કંપનીઓમાં રોકાણ કર્યું છે તે કંપનીઓ ટાઈટલ કે ટીમ સ્પોન્સર છે. ભારતની સંપૂર્ણ માલિકીની કંપનીઓ સાથે હરાજીમાં ચીને રોકાણ કરેલી કંપનીઓ મેદાન મારી ગઇ હતી.

આ કરાર પાંચ વર્ષ સુધીના હોય છે જો આ કરાર રદ થાય તો ભારતીય ક્રિકેટ કટોકટીમાં આવી જાય. એટલું જ નહીં બેઇજુ’સ, ઝોમાટો, ડ્રીમ 11, પેટીએમ જેવી ભારતીય સ્ટાર્ટ અપ પણ બંધ થાય તેમ છે. ચીનની ટેન્સેન્ટ, અલીબાબા અને વીવોના મુખ્ય રોકાણ છે. તેવી જ રીતે ભારતના જુદી જુદી રમતોના ખેલાડીઓના પણ બ્રાન્ડ એમ્બેસેડર  તરીકેના કરાર ચીનની કંપનીઓએ કર્યા છે.

માત્ર ક્રિકેટમાં જ નહીં ક્રિકેટની ટોચની વહીવટી બોડી બીસીસીઆઈમાં ચીન કેન્દ્ર સ્થાને છે તેવી જ રીતે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનું અગ્ર પ્રાયોજક પણ ચીનની કંપની લી નિંગ છે.

ભારતમાં ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, રેકેટ, શટલ કોક, નેટ, બોલ, ટેબલ ટેનિસના ટેબલ, ફૂટબોલ, રમતના સાધનો, જીમનાસ્ટિક મેટ્સ, પોલ-બાર, સહિત જે પણ ઉપયોગમાં લે છે અને સ્પોર્ટસ ટ્રેનિંગ સેન્ટરો નિર્ભર છે તે ચીનની આયાત પર જ છે.

ભારતની રમતગમતના સાધનોની કુલ ખરીદી રૂ. 1524 કરોડની છે તેમાંથી રૂ. 960 કરોડના સ્પોર્ટસ ગૂડ્ઝ તો એકલા ચીનમાંથી ભારત આયાત કરે છે. ચીન પર પ્રતિબંધ મૂકાય તો ભારતનું રમતજગત જ ઠપ્પ થઇ જાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.