ગલવાનમાં શહીદ થયેલા દરેક જવાનના પરિવારને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 2.50 લાખની સહાય કરાશે

ગલવાન વેલીમાં ભારતના 20 બહાદુર વીર જવાનો શહીદ થયા છે. આ શહીદ જવાનોના પરિવારને પ્રેમ,હૂંફ અને શાંત્વના આપવા માટે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વિરાંજલી પાઠવવાની સાથે સાથે સહાય જાહેર કરવામાં આવી છે. શહીદ જવાનોના પ્રત્યે પરિવારને 2.50 લાખની સહાય કરવામાં આવશે. કુલ 20 શહીદ જવાનોના પરિવારને 50 લાખની રકમ અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 180 પરિવારને સહાય મારૂતિ વીર જવાન ટ્રસ્ટ સુરત દ્વારા દેશના સીમાડાઓની રક્ષા કરતા જવાનો માટે કાર્ય કરવામાં આવે છે. વર્ષ 2019માં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહિદોને સલામ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 120 શહીદ જવાનોના પરિવારને એક જ મંચ પરથી રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે આર્થિક સહાય કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 2017થી 2019 સુધીમાં 180 શહીદ પરિવારને સન્માન સાથે આર્થિક મદદ અર્પણ કરવામાં આવી છે.

જમા ફંડમાંથી મદદ મારૂતિ વીર જવાન ટ્રસ્ટ સુરત દ્વારા વીર જવાનોના પરિવારને સન્માન સાથે મદદ કરવાના હેતુથી વર્ષ 2017માં ટ્રસ્ટની સ્થાપ્ના કરવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ સાવલીયા અને ટ્રસ્ટી મંડળ દ્વારા મોરારિબાપુની કથા થકી ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. આ ભંડોળમાંથી શહીદ જવાનોના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે છે.દરવર્ષે શહીદ જવાનો માટેના ભવ્ય કાર્યક્રમમાં સન્માન સાથે શહીદ પરિવારને પ્રેમ,લાગણી અને હૂંફ પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું ટ્રસ્ટીઓ જણાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.