વડાપ્રધાને પુછ્યું, તમને મકાન મળી ગયું, મને શું આપશો? ખેડૂતે કહ્યું, તમે આખી જિંદગી PM રહો.

વડાપ્રધાને કોરોના સંકટના નિયંત્રણ માટેની યુપી સરકારની કામગીરીની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’નો શુભારંભ કરી દેવાયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ અભિયાનની શરૂઆત કરી હતી.

PMનો મજૂરો સાથેનો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિયાનના લોન્ચિંગ વખતે અનેક મજૂરો સાથે વાતચીત કરી હતી. તેમણે ગોંડાના રહેવાસી વિનિતા નામના એક મહિલા સાથે સંવાદ કર્યો હતો અને તે મહિલાએ પ્રશાસનની સૂચના મળ્યા બાદ મહિલાઓનું જૂથ બનાવીને નર્સરીની શરૂઆત કરી હોવાની માહિતી આપી હતી. હાલ તેઓને એક વર્ષમાં છ લાખ રૂપિયાની બચત થઈ રહી છે.

વડાપ્રધાને બહરાઈચના તિલકરામ સાથે પણ સંવાદ કર્યો હતો. તિલકરામ ખેતી કરે છે અને વાતચીત વખતે વડાપ્રધાને તેમને તમારા પાછળ બહુ મોટું મકાન બની રહ્યું છે તેમ કહ્યું હતું. જવાબમાં ખેડૂતે આ તમારૂં જ મકાન છે તેમ કહીને પોતાને મળેલા આવાસ યોજનાના ફાયદા અંગે જણાવ્યું હતું. તિલકરામે જણાવ્યું કે તેઓ પહેલા ઝૂંપડીમાં રહેતા હતા અને હવે મકાન બની રહ્યું છે એટલે તેમનો પરિવાર ઘણો ખુશ છે.

તે સમયે વડાપ્રધાને તમને મકાન મળી ગયું પરંતુ મને શું આપશો તેવો સવાલ કર્યો હતો જેના જવાબમાં ખેડૂતે તેઓ પ્રાર્થના કરે છે કે મોદી આખી જિંદગી વડાપ્રધાન બને તેમ કહ્યું હતું. વડાપ્રધાને તે ખેડૂતને દર વર્ષે પત્ર લખીને બાળકોના અભ્યાસની માહિતી આપતા રહેવા જણાવ્યું હતું.

વડાપ્રધાને ગોરખપુરની એક વ્યક્તિ સાથે પણ સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાને તે વ્યક્તિને કહ્યું કે, ‘તમે અમદાવાદમાં હતા. તે મારૂં ઘર છે. અમદાવાદ તો સારૂં છે. પાછા કેમ આવી ગયા.’ તેના જવાબમાં તે વ્યક્તિએ કંપની બંધ થઈ ગઈ હોવાથી પોતે ગોરખપુર આવ્યા છે અને ડેરી ખોલવા લોન લીધી છે તેમ જણાવ્યું હતું.

‘કોરોના સમયે UPએ આખી દુનિયાને ચકિત કરી’

જનતાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું કે, કોરોના સમયે ઉત્તર પ્રદેશે આખી દુનિયાને ચકિત કરી દીધી. તેમણે જે રીતે કોરોના સંકટનો સામનો કર્યો તે પ્રશંસનીય છે. યુપીની જનસંખ્યા 24 કરોડ છે છતાં યોગ્ય રીતે કોરોના નિયંત્રણ થઈ શક્યું છે. અમેરિકાની વસ્તી 33 કરોડ છે છતાં સવા લાખ લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ યુપી સરકારે સારી તૈયારીઓ કરીને આશરે 85 હજાર લોકોનો જીવ બચાવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.