15મી જુલાઇ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નહીં કરાય : કેન્દ્ર

– કાર્ગો અને ડીજીસીએ દ્વારા માન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન પર કોઇ રોક નહીં

 

કોરોના વાઇરસને કારણે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધી હતી જેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે આગામી 15મી જુલાઇ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સસ્પેન્ડ રહેશે.

ભારતથી અન્ય દેશોમાં જતી કે ભારત આવતી ફ્લાઇટ 15મી સુધી શરૂ નહીં કરવામાં આવે. સરકાર દ્વારા આ માટે એક સરક્યૂલર જારી કરવામાં આવ્યું હતું.

જોકે આ નવો આદેશ માત્ર પેસેંજર ફ્લાઇટ્સને જ લાગુ રહેશે, કાર્ગો અને ડીજીસીએ દ્વારા માન્ય ફ્લાઇટ્સ પર લાગુ નહીં રહે. 24મી માર્ચે જ્યારે સમગ્ર દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ઉડાન પર પણ રોક લગાવી દેવામાં આવી હતી.

બાદમાં જેમ જેમ લોકડાઉન લંબાતુ ગયું તેમ આ પ્રતિબંધને પણ લંબાવવામાં આવ્યો હતો. હવે જ્યારે લોકડાઉનને લંબાવવામાં આવ્યું હતું તેનો સમયગાળો પણ પુરો થવા આવી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરી દેવામા આવી છે.

15મી જુલાઇ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય પેસેંજર ફ્લાઇટની ઉડાન નહીં ભરાય કે લેન્ડિંગની અનુમતી નહીં આપવામાં આવે. માત્ર ડીજીસીએ દ્વારા માન્ય અને કાર્ગો ફ્લાઇટને જ શરૂ રહેશે.

ગત સપ્તાહે ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય જુલાઇમાં લેવામાં આવશે. જોકે હવે તે અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. સરકાર હાલ વિદેેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન અંતર્ગત ચોક્કસ માન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ જ ચલાવી રહી છે.

આ ઉપરાંત ચોક્કસ રૂટ પર સૃથાનિક ડોમેસ્ટિક ફ્લાઇટસને જ મંજૂરી આપવામાં આવી છે. અગાઉ એક રિપોર્ટ હતો કે ભારત હવે ગ્રીન કોરિડોર સાથે અમેરિકા, બ્રિટન જેવા ચોક્કસ દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને શરૂ કરવા અંગે વિચારી શકે છે. જોકે હવે 15મી જુલાઇ સુધી કોઇ જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન નહીં ભરી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.