– ડીઝલમાં સતત 20મા દિવસે ભાવ વધ્યા
– દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 79.92થી વધીને રૂ. 80.13 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 80.02થી વધીને રૂ. 80.19
દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ પછી હવે પેટ્રોલનો ભાવ 80ને પાર થઇ ગયો છે. ઓઇલ કંપનીઓએ સતત ભાવવધારો ચાલુ રાખતા છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 80ને પાર થયો છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 79.92 રૂપિયાથી વધીને 80.13 રૂપિયા થઇ ગયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 80.02 રૂપિયાથી વધીને 80.19 થયો છે.
ઓઇલ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસમાન ફેરફાર કરવામાં આવે છે પણ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભિન્ન જોવા મળે છે.
મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 86.91 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 78.51 રૂપિયા થયો છે. દિલ્હીમાં બે વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 80ને પાર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર, 2018માં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાનો પાર થયો છે. ડીઝલના ભાવમાં સતત 20મા દિવસે ભાવવધારો કરવામાં આવ્યો છે જ્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 19 વખત વધારો કરવામાં આવ્યો છે.
સાત જૂનથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં કુલ 10.80 રૂપિયા અને પેટ્રોલના ભાવમાં 8.87 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થયું છે.
જો કે ફક્ત દિલ્હીમાં ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે છે કારણકે ત્યાંની રાજય સરકારે ગયા મહિને ડીઝલનો પર વેટ 16.5 ટકાથી વધારી 30 ટકા અને પેટ્રોલ પરનો વેટ 27 ટકાથી વધારી 30 ટકા કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.