લદ્દાખનું પ્રકરણ સંવેદનશીલ પણ સરકારની નિષ્ફળતા નથી: શરદ પવાર

ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે. ભારતમાં ચીનની વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સતત ચીનના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું છે. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું છે કે લદ્દાખનું પ્રકરણ સંવેદનશીલ છે અને આ સરકારની નિષ્ફળતા નથી.

એનસીપી પ્રમુખે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજકારણ ન રમવું જોઇએ. પવારે રાહુલ ગાંધીને અરીસો દેખાડતા જણાવ્યું છે કે ૧૯૬૨માં જે થયું હતું તે ભૂલી શકાય તેમ નથી. ૧૯૬૨માં ચીને આપણી ૪૫૦૦૦ વર્ગ કિમી જમીન કબજે કરી લીધી હતી. મને ખબર નથી કે હાલમાં ચીને ભારતની જમીન કબજે કરી છે કે નથી.

જો કે આ મુદ્દે વાત કરતી વખતે આપણે ઇતિહાસને પણ ન ભૂલવો જોઇએ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજકારણ ન રમવું જોઇએ. તેમણે ચીન સાથે યુદ્ધની શક્યતાઓને ફગાવી દીધી હતી. હાલમાં ચીન સાથે યુદ્ધ કરવાની કોઇ આશંકા નથી. જો કે ચીને ચોક્કસપણે દુઃસાહસ કર્યુ છે. ગલવાનમાં જે માર્ગનું નિર્માણ થઇ રહ્યું છે તે આપણી સરહદમાં છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને ચીન વિવાદ અંગે સતત નિશાન બનાવી રહ્યાં છે. લદ્દાખના ગલવાનમાં ભારતીય સેનાના ૨૦ જવાન શહીદ થયા પછી બંને દેશો વચ્ચે તંગદિલી ઉભી થઇ છે. રાહુલ ગાંધીએ મોદીને જણાવ્યું છે કે વડાપ્રધાન ડર્યા વગર જણાવે કે ચીને જમીન લીધી છે અને અમે કાર્યવાહી કરવા જઇ રહ્યંા છે અને આ સ્થિતિમાં સમગ્ર દેશ તમારી સાથે છે.

રાહુલે જણાવ્યું છે કે વડાપ્રધાને થોડાક દિવસ પહેલા જણાવ્યું હતું કે કોઇ પણ ભારતમાં આવ્યું નથી. કોઇએ પણ ભારતની જમીન કબજે કરી નથી. રાહુલે જણાવ્યું છે કે સેટેલાઇટ ફોટામાં જોઇ શકાય છે કે સેનાના પૂર્વ જનરલ અને લદ્દાખના લોકો કહી રહ્યાં છે કે ચીને ત્રણ જગ્યાએ આપણી જમીન છીનવી લીધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.