હવે ટ્રેનના AC કોચમાં ઓપરેશન થિયેટર જેવી ફ્રેશ હવા મળશે : ઇન્ડિયન રેલ્વે

– કોરોના સંક્રમણના જોખમને ઘટાડવા માટે એસી કોચમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા

 

ઇન્ડિયન રેલ્વેએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા ટ્રેનમાં કેટલાક ફેરફાર કર્યા છે. રેલ્વેના એસી ટ્રેનોના કોચમાં હવે ઓપરેશન થિયેટર જેવી તાજી હવા મળશે, જેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ ઘટાડી શકાશે.

માહિતી અનુસાર, રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વે દ્વારા રાજધાની માર્ગ પર 12 મેથી શરૂ કરવામાં આવેલ 15 એસી ટ્રેનમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કોવિડ-19 પછીની પરિસ્થિતિમાં ટ્રેનના સંચાલન માટેની રેલવેની તૈયારીઓનો જ ભાગ છે.

અધિકારીઓએ કહ્યુ, ‘ભારતીય રેલવેના એસી કોચમાં લગાવવામાં આવેલા રૂફ માઉન્ટેડ એસી પેકેજ(આરએમપીયૂ) દર કલાકે 16-18 વારથી વધારે વાર હવા બદલે છે જેવું ઓપરેશન થિયેટરમાં થતું હોય છે.’ પહેલા આ એસી કોચમાં દર કલાકે 6 થી 8 વાર હવા બદલાતી હતી અને ડબ્બામાં આવતી 80 ટકા હવા ફરીથી સર્ક્યુલેટ થતી જ્યારે 20 ટકા જ તાજી હવા મળતી હતી. હવામાં બદલાવાની સંખ્યા વધવાની સાથે ઉર્જા વપરાશમાં પણ 10 થી 15 ટકાનો વધારો થશે.

અધિકારીએ જણાવ્યું, ‘મુસાફરોની સુરક્ષા માટે આ કિંમત ચુકવવી પડશે. એસી જે પ્રકારે કામ કરે છે તેમાં તે બીજીવાર સર્ક્યુલેટેડ હવાનો ઉપયોગ કરે છે, જેથી કોચ ઝડપી ઠંડું થાય. જ્યારે અમે તાજી હવાનો ઉપયોગ કરીશું તો કોચને ઠંડું થવામાં થોડો વધારે સમય લાગશે એટલા માટે ઉર્જાનો વધારે વપરાશ થશે.’

કોચમાંં એસીના તાપમાનમાં વધારો કરવામાં આવ્યો 

રેલ્વેએ સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન પણ સામાન્ય 23 ડિગ્રી સેલ્સિયસથી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દીધું છે કારણ કે હવે મુસાફરોને ચાદર ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સલાહ પર રેલ્વેએ કોરોના વાયરસના સામાન્ય કેસ માટે અલગ કોચ તરીકે એસી વગરના કોચમાં સુધારા કર્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.