કોઈપણ કંપની કે વેપારી તેના રોજબરોજના વેપાર વહેવારો માટે બૅન્ક એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષ દરમિયાન ટુકડે ટુકડે પણ રૂા.1 કરોડથી વધુ રકમનો ઉપાડ કરશે તો તે ઉપાડની રૂપિયા એક કરોડ પર બે ટકા ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાત કરવાનો નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા લેવામાં આવ્યો છે.
આ નવી જોગવાઈ સહકારી બૅન્કો અને શિડયુલ કોઓપરેટીવ બૅન્કો તમામને લાગુ કરવામાં આવશે. જોકે બૅન્ક એકાઉન્ટમાંથી કરવામાં આવેલા રોકડના ઉપાડની ગણતરી પહેલી એપ્રિલ 2020થી ચાલુ કરી દેવામાં આવશે.
છેલ્લા બજેટમાં ઉમેરવામાં આવેલી કલમ 194-એનની જોગવાઈ હેઠળ આ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ જોગવાઈ પહેલી જુલાઈ 2020થી અમલી બનાવવામાં આવી છે, પરંતુ એક કરોડના ઉપાડની રકમની ગણતરી તો પહેલી એપ્રિલ 2020થી બૅન્કમાંથી કરેલા રોકડના તમામ ઉપાડને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
સરકારે રોકડના વહેવારો પર કાપ મૂકવાના ઇરાદાથી આ જોગવાઈ દાખલ કરી છે. જોકે આ સાથે જ બીજી એક વિવાદાસ્પદ જોગવાઈ પણ દાખલ કરી છે. જે વ્યક્તિએ તેના આવકવેરાના રિટર્ન છેલ્લા ત્રણ વર્ષથી ફાઈલ ન કર્યા હોય તે વ્યક્તિ વર્ષમાં રૂા. 20 લાખથી વધુ રકમનો તેના બૅન્ક એકાઉન્ટમાંથી રોકડનો ઉપાડ કરે તો તેના 20 લાખ ઉપરની રકમમાંથી 2 ટકા ટીડીએસ કરી લેવામાં આવશે.
જે કરદાતાએ રિટર્ન ફાઈલ ન કર્યા હોય અને તેણે રૂા.1 કરોડથી વધુનો ઉપાડ કર્યો હોય તો તેવા સંજોગોમાં તેના ઉપાડની રકમમાંથી 5 ટકાના દરે ટીડીએસ કરી લેવામાં આવશે. આ જ રીતે કરદાતા પાસે પરમેનન્ટ એકાઉન્ટ નંબર જ ન હોય તો તેવા સંજોગોમાં તેના ઉપાડની રકમ રૂા. 20 લાખથી વધી જાય તો તેના ઉપાડની રકમ પર 20 ટકાના દરે ટીડીએસ કરવામાં આવશે.
કરદાતાના ખાતામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ હોય અને તે રકમમાંથી ઘરના કોઈ મોટા કામકાજ માટે કે પ્રસંગ માટે તે રોકડનો ઉપાડ કરે તો તેવા સંજોગોમાં તેના પર પણ 20 ટકા ટીડીએસનો બોજો આવી શકે છે.
હા, તેણે ત્રણ વર્ષના રિટર્ન ફાઈલ કરેલા હોય તો તેવા સંજોગોમાં તેના ખાતામાંથી એક કરોડનો રોકડનો ઉપાડ થાય તે પછી જ તેના ઉપાડની તમામ રકમ પર ટીડીએસ કરવામાં આવશે. તેના ઉપાડની રકમ નક્કી કરેલી મર્યાદાથી વધે તે સાથે જ તેના પર ઉપાડની રકમ પર બે ટકાના દરે ટીડીએસ કાપવાનું શરૂ કરી દેવામાં આવશે. બે ટકા ટીડીએસ કાપ્યા પછીની રકમ જ તેમને ચૂકવવામાં આવશે.
સીબીડીટીનો ઉપરોક્ત નિર્ણય વિવાદ જગાડે તેવો છે. ખાતેદારે ત્રણ વર્ષના રિટર્ન ફાઈલ કર્યા છે કે નહિ તે અંગેની માહિતી બૅન્કને કઈ રીતે હોઈ શકે. બૅન્ક કયા આધારે તેના રોકડના ઉપાડ પર ટીડીએસ કરે તે એક સવાલ ઊભો થશે. આ માટે કરદાતાએ તેના છેલ્લા ત્રણ વર્ષના રિટર્નની વિગતો બૅન્કમાં જમા કરાવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.