મુંબઈની તાજ હોટલ પર 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી, પાકિસ્તાનથી આવ્યો ફોન

.

મુંબઈની હોટલ તાજ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. જે બાદ હલચલ મચી ગઈ છે. આ ફોન પાકિસ્તાનથી આવ્યો હતો. પોલીસ આની તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર કૉલરે મુંબઈની હોટલ તાજ પર આતંકી હુમલાની ધમકી આપી છે. ફોન પર ધમકી મળ્યા બાદ પોલીસે તાજ હોટલની સુરક્ષા વધારી દીધી છે. હોટલમાં આવનારા દરેક મહેમાન પર નજર રાખવામાં આવી રહી છે. હોટલ તાજની આસપાસ દક્ષિણ મુંબઈમાં પોલીસે નાકાબંદી પણ વધારી છે. આ સિવાય કિનારાના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ છે.

અગાઉ વર્ષ 2008માં 26 નવેમ્બરે મુંબઈમાં હોટલ તાજ પર આતંકી હુમલો થઈ ચૂક્યો છે. આ આતંકી હુમલામાં 166થી વધારે લોકોના મોત નીપજ્યા હતા અને 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હોટલ તાજ પર થયેલા આ હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની પરિસ્થિતિને ઉભી કરી હતી.

મુંબઈ હુમલામાં આતંકી અજમલ કસાબને જીવિત પકડી લેવાયો હતો. જે બાદ તપાસ એજન્સીઓની પૂછપરછમાં જાણ થઈ હતી કે હોટલ તાજ પર થયેલા આતંકી હુમલાની પાછળ પાકિસ્તાનથી ઑપરેટ થનારા આતંકી સંગઠનોનો હાથ હતો. જે બાદ અજમલ કસાબને 21 સપ્ટેમ્બર, 2012એ ફાંસી આપવામાં આવી હતી.

2019ના ઓક્ટોબર મહિનામાં પણ 26/11એ મુંબઇ મહાનગર પર થયેલા આતંકવાદી હુમલા જેવો મોટો આતંકવાદી હુમલો ભારતમાં કરવાની પાકિસ્તાનની યોજના હોવાની માહિતી ગુપ્તચર ખાતાને મળી હતી.

પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ અને જૈશ-એ-મુહમ્મદ પણ આ યોજનામાં સહભાગી હોવાનું આ સૂત્રે કહ્યું હતું. આતંકવાદી કાર્યોમાં નિષ્ણાત મનાતા ભટકલ બંધુઓને આ હુમલાની યોજના અને અમલ કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું ગુપ્તચર ખાતાના સંદેશામાં જણાવાયું હતું. ભટકલ બંધુઓ પાકિસ્તાન સ્થિત ઇન્ડિયન મુજાહિદના સ્થાપક સભ્યો છે. ગમે તેવા આતંકવાદી હુમલાને સાકાર કરવા આ બંને પંકાયેલા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.