– સાત જૂનથી 22 વખત ભાવ વધતા ડીઝલનો ભાવ ઐતિહાસિક ટોચે
– કેન્દ્રે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડયુટી વધારી 18 લાખ કરોડની કમાણી કરી : સોનિયાનો આક્ષેપ
ત્રણ સપ્તાહમાં ડીઝલમાં 11.14 અને પેટ્રોલમાં રૂા. 9.17નો વધારો કરાયો
કોંગ્રેસે ભાવવધારા વિરૂદ્ધ શરૂ કરેલા અભિયાનમાં રાહુલ અને પ્રિયંકા પણ જોડાયા
લોકડાઉન પછી 22 વખત ઇંધણના ભાવ વધારવા બદલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર પ્રજાને લૂટી રહી છે. તેમણે તાત્કાલિક ભાવવધારો પરત લેવાની માગ કરી છે.
સોનિયા ગાંધીએ આરોપ મૂક્યો હતો કે સરકાર પ્રજાને લૂટીને નફો રળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારની ફરજ છે કે તે મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરે અને તેમના પરસેવાના નાણામાંથી નફો ન કમાવે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ કોંગ્રેસે શરૂ કરેલા અભિયાનમાં ભાગ લેતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે પેટ્રોલ અને ડીઝલમા સતત વધી રહેલા ભાવવધારાથી પ્રજાનું જીવન વધુ મુશ્કેલ બની ગયું છે.
સોશિયલ મીડિયામાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં પક્ષના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતાં. સરકાર આ ભાવવધારો પરત ખેંચે તે માટે તેમણે લોકોને પણ આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી હતી.
સોનિયા ગાંધીએ ચાલુ વર્ષે માર્ચથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ પર વધારવામાં આવેલી એકસાઇઝ ડયુટી પણ પરત લઇ તેનો લાભ દેશના લોકોને આપવાની માગ કરી છે.
કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે 2014થી સરકારે ક્રૂડના ઘટેલા ભાવનો લાભ દેશનો લાભ આપવાને બદલે સરકારે 12 વખત એક્સાઇઝ ડયુટી વધારી 18 લાખ કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે લોકડાઉન પછી સરકારે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો કરી 1.3 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આજે ડીઝલમાં 13 પૈસા અને પેટ્રોલમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
આજે સાથે જ છેલ્લા ત્રણ સપ્તાહમાં ડીઝલના ભાવમાં 22 વખત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ડીઝલના ભાવમાં કુલ 11.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં કુલ 9.17 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 80.38 રૂપિયાથી વધીને 80.43 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 80.48 રૂપિયાથી વધીને 80.53 રૂપિયા થયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 87.14 રૂપિયાથી વધીને 87.19 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 78.71 રૂપિયાથી વધીને 78.83 રૂપિયા થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.