અમદાવાદમાં સોનાએ નવો વિક્રમ રચ્યો : રૂા. 50,500ની ટોચ પર

– ચાંદી પણ રૂા. 1000 ઊછળી

– જો કે, મોડી સાંજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તૂટીને 1765 ડોલર

વિશ્વભરમાં કોરોના મહામારીના કેસમાં વધારો થવા સહિતના અન્ય અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઊછળતા અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં રૂા. ૩૦૦નો ઊછાળો નોંધાતા તે રૂા. ૫૦,૫૦૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા.

વૈશ્વિક સ્તરે કોરોનાના કેસમાં વધારો થતા આર્થિક વૃધ્ધિ રૂંધાવાની દહેશતને બીજી તરફ ભૂ-રાજકીય પરિબળો પ્રબળ બનતા વૈશ્વિક બજારમાં સેફ હેવન માંગના પગલે સોનું ઊછળીને ૧૭૮૯ ડોલરની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી ૧૮.૨૫ ડોલર મૂકાતી હતી.

આ અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે આજે નવી લેવાલી પાછળ સોનું ૯૯.૯ રૂા. ૩૦૦ વધીને રૂા. ૫૦,૫૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ૯૯.૫ ૫૦,૩૦૦ની સપાટીએ મૂકાતું હતું.

સોના પાછળ ચાંદીમાં પણ આજે રૂા. ૧૦૦૦નો ઊછાળો નોંધાતા રૂા. ૫૦,૦૦૦ની સપાટીએ બંધ રહી હતી. બજારના જાણકાર વર્તુળોના મત મુજબ આયાત ખર્ચમાં વધારો થતા ચાંદીના ભાવ ઊંચકાયા છે.

જો કે, મોડી સાંજે આ લખાય છે ત્યારે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુના ભાવ તૂટયા હતા. અમેરિકાના મેન્યુફેકચરીંગ ડેટા ૧૪ માસની ઊંચી સપાટીએ પહોંચતા તેમજ ઈક્વિટી બજારમાં સુધારો નોંધાતા લોકો ઈક્વિટી તરફ વળતા સોનામાં ભાવ તૂટયા હતા. મોડી સાંજે સોનું ૧૭૬૫ ડોલર અને ચાંદી ૧૭.૯૬ ડોલર મૂકાતી હતી. જે જોતા આવતીકાલે સોના-ચાંદી બજાર તૂટે તેવી સંભાવના છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.