કોંગ્રેસને યાદ આવી ઈન્દિરાની લેહ યાત્રા, કહ્યું- ‘જોઈએ છીએ PM મોદીના ગયા બાદ શું બને છે’

– ‘ઈન્દિરા ગાંધી જ્યારે લેહ ગયા હતા ત્યારે પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. હવે PM નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે, જોઈએ છે હવે શું થાય છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ લેહની મુલાકાતે પહોંચી ગયા તેને લઈ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ વડાપ્રધાન મોદીની આ યાત્રાના અનુસંધાને કટાક્ષના સૂરમાં લખ્યું હતું કે, ‘ઈન્દિરા ગાંધી જ્યારે લેહ ગયા હતા ત્યારે પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે, જોઈએ છે હવે શું થાય છે.’

કોંગ્રેસી નેતાએ પોતાની ટ્વિટમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની લેહ યાત્રાની એક તસવીર પોસ્ટ કરી હતી. તે તસવીરમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી લદ્દાખમાં સૈનિકોને સંબોધિત કરતા જણાઈ રહ્યા છે. એક અટકળ પ્રમાણે મનીષ તિવારીના આ કટાક્ષ બાદ ભારતીય જનતા પાર્ટી પણ પલટવાર જરૂર કરશે.

ફ્રન્ટ ચોકી છે નીમૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહમાં સેના સાથે ફ્રન્ટ ચોકી નીમૂ પહોંચ્યા હતા. આ સ્થળ દરિયાની સપાટીથી 11,000 ફૂટની ઉંચાઈએ આવેલું છે. વડાપ્રધાને આ ઓચિંતી મુલાકાત દ્વારા સૌને ચોંકાવી દીધા છે. તેમના સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને સૈન્ય પ્રમુખ એમએમ નરવણે પણ ઉપસ્થિત રહ્યા હતા.

શિવસેનાએ કરી પ્રશંસા
આ તરફ શિવસેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાતની પ્રશંસા કરવામાં આવી છે. શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ વડાપ્રધાન મોદીની લેહ-લદ્દાખ યાત્રાને ખૂબ જ મહત્વની ગણાવી હતી. તેમના કહેવા પ્રમાણે આ યાત્રાથી સૈનિકોને એકજૂથતાનો સંદેશો મળ્યો છે. એક તરફ સરહદ પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે તેવા સમયે જ વડાપ્રધાન મોદી લેહ યાત્રાએ પહોંચી ગયા છે. લેહના નીમૂ મોરચા ખાતે વડાપ્રધાને સેના અને વાયુ સેનાના અધિકારીઓની મુલાકાત લીધી હતી અને તેમની વાતો સાંભળી હતી. સૈન્ય અધિકારીઓએ વડાપ્રધાનને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની વર્તમાન સ્થિતિથી માહિતગાર કર્યા હતા.

સંરક્ષણ મંત્રીની મુલાકાત સ્થગિત
સીડીએસ રાવત સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લેહની મુલાકાતે જવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર ગુરૂવારે સાંજે તેમની યાત્રા ટાળી દેવામાં આવેલી. ત્યાર બાદ આજે સવારે સીડીએસ લેહ પહોંચ્યા હોવાનો રિપોર્ટ હતો પરંતુ વડાપ્રધાન પોતે પણ ત્યાં પહોંચશે તેની કોઈને શંકા પણ નહોતી. ગાલવાન ઘાટી ખાતેની હિંસા બાદ સરહદે ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.