વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે સરહદ પર ભારત અને ચીન વચ્ચે જે સ્થિતિ વ્યાપી છે તે અંગે ચર્ચા કરી હોવાનું અનુમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11:30 કલાકે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. લગભગ અડધો કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંને વચ્ચે કયા મુદ્દે વાતચીત થઈ તેની ચોક્કસ જાણકારી હજુ સુધી સામે નથી આવી. પરંતુ એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા થઈ હશે. વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે સરહદ પર ભારત અને ચીન વચ્ચે જે સ્થિતિ વ્યાપી છે તે અંગે ચર્ચા કરી હોવાનું પણ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પહેલા જ લેહથી પરત આવ્યા છે. વડાપ્રધાન મોદી શુક્રવારે અચાનક જ લેહ પહોંચી ગયા હતા અને તેમણે સરહદ પર તૈનાત સૈનિકોને સંબોધિત કર્યા હતા. ત્યાર બાદ તેમણે ઘાયલ સૈનિકોની મુલાકાત પણ લીધી હતી. તેઓ શુક્રવારે સવારે લદ્દાખના નીમૂ ખાતે પહોંચ્યા હતા જે લેહથી દ્રાસ બાજુ આવે છે. તે બોર્ડરનું ફોરવર્ડ લોકેશન ગણાય છે.
તે સમયે વડાપ્રધાને આર્મી, એરફોર્સ અને આઈટીબીપીના જવાનો સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાને અધિકારી હરિંદર સિંહ પાસેથી સરહદની વર્તમાન સ્થિતિ અંગેની અપડેટ્સ પણ મેળવી હતી. સરહદે તૈનાત સૈનિકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું કે, 14 કોરની બહાદુરીના કિસ્સા ચારેય બાજુ ગવાઈ રહ્યા છે. દુનિયાએ તમારૂં અદમ્ય સાહસ જોયું છે.
દરેક ઘરોમાં તમારી શૌર્ય ગાથાઓ ગૂંજી રહી છે. તમારી ઈચ્છાશક્તિ હિમાલય સમાન મજબૂત અને દૃઢ છે તથા સમગ્ર દેશને તમારા પર ગર્વ છે. તેમણે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ઝડપથી વધારાઈ રહ્યું છે અને તેના વિકાસ માટે પહેલાની સરખામણીએ ત્રણ ગણો ખર્ચ થઈ રહ્યો છે તેવી માહિતી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 15 જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ લદ્દાખમાં LAC પર વાયુસેના હાઈએલર્ટ પર છે. આ સંજોગોમાં વડાપ્રધાન મોદીએ ફોરવર્ડ બેઝ પર જઈને ચીનને સીધો પડકાર ફેંક્યો છે.
વાયુસેનાના અનેક લડાકુ વિમાનોને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે તથા ચીનની સરહદને અડીને આવેલા વાયુસેનાના આ ફોરવર્ડ એરબેઝ પર જોરદાર હિલચાલ છે અને વાયુ સેનાના લડાકુ વિમાન સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.