આજથી દેશભરમાં ખુલશે સ્મારકો, તાજમહેલ-આગ્રા ફોર્ટ બંધ રાખવા આદેશ

સીમિત સંખ્યામાં પર્યટકોને મંજૂરી અને ફક્ત ઈ-ટિકિટ વડે જ પ્રવેશ મળશે, માસ્ક ફરજિયાત

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને આગ્રા પ્રશાસને ઐતિહાસિક ઈમારતો ખોલવાનો નિર્ણય રદ કર્યો છે. આ નિર્ણય બાદ આગ્રામાં આજથી એટલે કે છઠ્ઠી જુલાઈથી તાજમહેલ અને અન્ય ઐતિહાસિક ઈમારતો નહીં ખુલે. ઐતિહાસિક સ્મારક તાજમહેલ, આગ્રાનો કિલ્લો, અકબરનો મકબરો અને સિકંદરો વગેરેનો આગ્રાના સંરક્ષિત સ્મારક કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે.

અગાઉ યુપીના પર્યટન મંત્રીએ ટ્વિટ કરીને આગ્રામાં છઠ્ઠી જુલાઈથી તાજમહેલ અને બાકીના ઐતિહાસિક સ્મારકો ખોલી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આગ્રામાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસને નવા આદેશ સુધી હાલ કોઈ પણ ઐતિહાસિક સ્મારક ન ખોલવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વિશ્વ પ્રસિદ્ધ ઈમારત તાજમહેલ છેલ્લા 110 દિવસથી બંધ છે.

દિલ્હીનો લાલ કિલ્લો અને કુતુબમિનાર ખુલશે

સંસ્કૃતિ મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સંરક્ષિત તમામ સ્મારકો છઠ્ઠી જુલાઈથી ફરી જનતા માટે ખોલી દેવામાં આવશે. તેમાં સીમિત સંખ્યામાં પર્યટકોને મંજૂરી મળશે અને ફક્ત ઈ-ટિકિટ વડે જ પ્રવેશ મળશે. તે સિવાય પર્યટકો માટે માસ્ક પહેરવું ફરજિયાત હશે.

સંસ્કૃતિ મંત્રાલયે અગાઉ જૂન મહીનામાં એએસઆઈ અંતર્ગત આવતા 3,000થી વધારે સ્મારકો પૈકીના જ્યાં ધાર્મિક સમારંભોનું આયોજન થાય છે તેવા 820 સ્મારકો ફરી ખોલી દીધા હતા. કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને ગત 17મી માર્ચથી કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત 3,691 સ્મારકો અને પુરાતત્વ સ્થળો બંધ હતા જેની સંભાળ એએસઆઈ રાખે છે.

નિયમ પ્રમાણે સ્મારકોના પ્રવેશ દ્વાર પર હાથ ધોવાની અથવા સેનિટાઈઝ કરવાની અને થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા અનિવાર્ય રહેશે. દિલ્હીના કુતુબમિનાર અને લાલ કિલ્લામાં પ્રતિ સ્લોટ મહત્તમ 1,500 લોકોને પ્રવેશની મંજૂરી મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.