ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટ સરકારના નિશાના પર, MHA કરાવશે ફન્ડિંગની તપાસ

– ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફન્ડિંગ મળતું હોવાનો આરોપ મુક્યો હતો

 

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફન્ડિંગને લઈ સતત સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા એક કમિટિની રચના કરવામાં આવી છે જે આ ફાઉન્ડેશન્સને મળતા ફન્ડિંગ અને તેમના દ્વારા જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા છે તેની તપાસ કરશે. EDના સ્પેશિયલ ડાયરેક્ટર સિમાંચલ દાસને આ કમિટિની આગેવાની સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે એક ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઈન્ટર મિનિસ્ટ્રીયલ કમિટિની રચના કરી છે જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.’

અનેક ફેક્ટ્સની તપાસ કરાશે

આ તપાસમાં PMLA એક્ટ, ઈન્કમ ટેક્સ એક્ટ, FCRA એક્ટના નિયમોના ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે અને ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર આ કમિટિનું નેતૃત્વ કરશે. એક અહેવાલ પ્રમાણે ત્રણ અલગ અલગ એજન્સીઓ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ફન્ડિંગની તપાસ કરશે. તેમાં સીબીઆઈની ટીમ FCRA એક્ટ અંતર્ગત કેસની તપાસ કરશે. તે સિવાય ઈડીની ટીમ PMLA ઉલ્લંઘન અને આવકવેરા વિભાગ ટેક્સ સાથે સંકળાયેલા કેસની તપાસ કરશે.

શું છે સમગ્ર વિવાદ?

હકીકતે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે કેન્દ્ર સરકાર પર હુમલા શરૂ કર્યા તો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને જ ઘેરામાં લઈ લીધી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ફન્ડિંગ મળતું હોવાનો આરોપ મુક્યો હતો. તે સિવાય યુપીએ સરકારે દેશ માટે પ્રધાનમંત્રી રાહત કોષ બનાવવામાં આવેલું તેમાંથી પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપ્યા હતા. ભાજપના આરોપ પ્રમાણે 2005થી 2008 દરમિયાન PMNRF દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ રાશિ મળી હતી.

રાજીવ ગાંધી ફાઉન્ડેશન શું છે?

જો કે કોંગ્રેસ દ્વારા આ તમામ આરોપોને નકારી દેવામાં આવ્યા છે અને રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનું ફાઉન્ડેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દાવા પ્રમાણે રાજીવ ગાંધી ફાઉન્ડેશન સેવા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. વર્ષ 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને PMNRF તરફથી 20 લાખ રૂપિયા જેટલી સામાન્ય ધનરાશિ મળી હતી જેનો ઉપયોગ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહોમાં રાહત કાર્યો માટે કરવામાં આવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.