ચિત્રકૂટની ખાણમાં સગીરાઓ સાથેના યૌન શોષણ મુદ્દે રાહુલની ટ્વીટ, શુ આ છે આપણા સપનાનુ ભારત

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટની ખાણમાં સગીરાઓ સાથે યૌન શોષણના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારની કાર્યપ્રણાલી પર પ્રશ્નો કર્યા છે. રાહુલે ટ્વીટ કરી લખ્યુ કે અનઆયોજિત લૉકડાઉનમાં ભૂખથી મરતો પરિવાર, આ બાળકીઓએ જીવતા રહેવાની ભયાવહ કિંમત ચુકવી છે. શુ આ છે આપણા સપનાનુ ભારત?

શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે ચિત્રકૂટમાં પોલીસના નાક નીચે મહિલાઓ અને સગીરાઓના યૌન શોષણનુ નેટવર્ક ચાલી રહ્યુ હતુ પરંતુ પોલીસ આંખ પર પટ્ટી બાંધીને બેસી હતી. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પ્રાંતમાં ખાણમાં મજૂરીકામ મેળવવા માટે ગરીબ સગીરાઓએ પોતાના દેહનો સોદો કરવો પડતો હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે ગરીબ સગીરાઓને મજૂરીકામ આપવાના બદલામાં તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું.

મજૂરીના નામે યૌન શોષણ

હકીકતે મંગળવારે એક ખાનગી ચેનલે પોતાના રિપોર્ટમાં ચિત્રકૂટની ખાણમાં કોન્ટ્રાક્ટર્સ અને વચેટિયાઓ ગરીબ છોકરીઓનું યૌન શોષણ કરતા હોવાનું દર્શાવ્યું હતું. રિપોર્ટમાં બતાવ્યા પ્રમાણે છોકરીઓએ મજૂરી મેળવવા માટે યૌન શોષણનું શિકાર બનવું પડે છે. જે છોકરીઓ આ માટે તૈયાર ન થાય તેમને કોન્ટ્રાક્ટર્સ અને વચેટિયાઓ મજૂરીકામ નથી આપતા. મજૂરી મેળવવા માટે તે છોકરીઓએ પોતાના દેહનો સોદો કરવો પડે છે અને જો તે ના પાડે તો મજૂરીકામથી વંચિત રહે છે.

દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ દ્વારા કાર્યવાહીની માગ

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ સરકાર સમક્ષ આ મામલે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં 10થી 18 વર્ષની બાળકીઓ સાથે ખાણમાં કામ આપવાના બહાને હેવાનિયત આચરવામાં આવી રહી છે. આવું કઈ રીતે બની શકે કે આ નાની બાળકીઓને આ રીતે ચૂંથવામાં આવી રહી છે અને પ્રશાસનને તેની કોઈ જાણ જ નથી? ખૂબ જ શરમજનક. યોગી આદિત્યનાથજી તરત જ આકરી કાર્યવાહી કરાવો.’

સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ ડીએમ શેષમણિ પાંડેએ આ મામલે મેજિસ્ટ્રી તપાસનો આદેશ આપ્યો છે અને દોષિતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.