સુરતમા સીટબેલ્ટ બાંધ્યા વિના સિટી બસ ચલાવતા ડ્રાઈવરને રૂ. 500નો દંડ, પૈસા નહોતા તો બસ જપ્ત

સુરતઃ સુરતમાં એલ બી ફાયર સ્ટેશન નજીક સીટ બેલ્ટ બાંધ્યા વગર જ સિટી બસ ચલાવતા ડ્રાઈવરને રોકીનેને ટ્રાફિક પોલીસે રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરની સિટી બસના ચાલકે પોતાની પાસે દંડના રૂપિયા ન હોવાનું જણાવતા પોલીસે બસને જપ્ત કરી લીધી હતી. હવે આ સમગ્ર ઘટનામાં સૌથી કફોડી હાલત પેસેન્જરોની થઈ ગઈ હતી. સવારના પહોરમાં બનેલી આ ઘટનાથી ઓફિસે કે કામના સ્થળે જવામાં લોકોને ખૂબ હાલાકી થઈ હતી. જો કે, મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરાયા હતા.

ડ્રાઈવર હાંફળો-ફાંફળો થઈ એજન્સીના માલિકને ફોન કરવા લાગ્યો

એલબી ફાયર સ્ટેશન નજીક સીટ બેલ્ટ લગાવ્યા વિના સિટી બસ (જીજે 5 બીએક્સ 3305) ચલાવતા ચાલકને ઉભો રખાવવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે બસના ડ્રાઈવરનું લાઈસન્સ ચેક કર્યા બાદ તેને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, ચાલક પાસે રૂપિયા ન હોવાની વાત કરીને બસના માલિકને ફોન કરવા દોડાદોડી કરતો હતો. આખરે પોલીસે બસમાંથી મુસાફરોને ઉતારીને બસ કબ્જે લીધી હતી.

આ બસનો નંબર જીજે 5 બીએક્સ 3305 એકલવ્ય એપમાં નાંખીને ચેક કરતાં તે બસની માલિકી સુરતના મ્યુનિ. કમિશનરની હોવાનું જણાયું હતું. 2 માર્ચ, 2017ના રોજ સુરત આરટીઓમાં નોંધાયેલી આ બસ માટે હવે ચાલકના કસૂર બદલ માલિક એટલે કે મ્યુનિ. કમિશનરને દંડનો મેમો મોકલવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જો કે, આ બસનો કબજો તો હાલ ટ્રાફિક પોલિસ પાસે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.