કાર નથી પલટી, રાઝ ખુલવાથી સરકાર પલટાતા બચાવાઈ’: વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે અખિલેશ

અખિલેશ યાદવે વિકાસ દુબેની ધરપકડ બાદ પણ તેણે સરેન્ડર કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલે ટ્વિટ કરીને પોલીસ અને સરકારની કાર્યપ્રણાલી સામે સવાલ કર્યા છે અને તેમને નિશાન પર લીધા છે. અખિલેશ યાદવે પોતાની ટ્વિટમાં વિકાસ દુબેને જે વાહન દ્વારા ઉજ્જૈનથી કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો તેના અકસ્માતને લઈ સવાલો ઉઠાવ્યા છે.

અખિલેશ યાદવે પોતાની એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હકીકતે આ કાર નથી પલટી પરંતુ રાઝ (રહસ્ય) ખુલવાથી સરકાર પલટાતા બચાવવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ સહિત તમામ રાજકીય નેતાઓએ પહેલેથી જ એવી શંકા વ્યક્ત કરી હતી કે વિકાસ દુબે પાછળ યુપી સરકારના તમામ મજબૂત લોકોને સંરક્ષણ મળેલું છે. અખિલેશ યાદવે પોતાની ટ્વિટમાં પણ આ પ્રકારની વાતનો જ સંકેત આપ્યો છે.

અખિલેશ યાદવે

ટ્વિટમાં લખ્યું હતું કે, કાર પલટવાથી અને વિકાસ દુબેના મરવાથી સરકારના અનેક રહસ્યો ખુલતા બચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસના આઠ જવાનોની નિર્દયતાપૂર્વક હત્યા થઈ તેનો મુખ્ય આરોપી વિકાસ દુબે ફિલ્મી અંદાજમાં માર્યો ગયો છે.

મજબૂરીમાં એન્કાઉન્ટર કરવું પડ્યું: પોલીસ

યુપી એસટીએફની ગાડી વિકાસને લઈને કાનપુર આવી રહી હતી તે સમયે વધારે ઝડપના કારણે બર્રા પાસે તે અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિકાસ દુબે અને એક સિપાહીને ઈજાઓ પહોંચી હતી. જો કે તેમ છતા વિકાસ પોલીસની પકડમાંથી છટકીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

અધિકારીની પિસ્તોલ લઈ ભાગવાનો પ્રયત્ન

પોલીસના કહેવા પ્રમાણે વિકાસ દુબેએ તક જોઈને એસટીએફના એક અધિકારીની પિસ્તોલ છીનવી લીધી હતી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી અથડામણ શરૂ થઈ હતી. એસટીએફ દ્વારા વિકાસને હથિયાર મુકીને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે પોલીસની વાતની અવગણના કરી માટે તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું.

વિકાસ દુબેના એન્કાઉન્ટર સાથે જ તેને લઈ અનેક સવાલો ચાલુ થઈ ગયા હતા ત્યારે અખિલેશ યાદવે આ રીતે ટ્વિટરના માધ્યમથી યોગી સરકાર પર આરોપ મુક્યો છે અને તેને સરકારને બચાવવા માટેનું એન્કાઉન્ટર ગણાવ્યું છે. અખિલેશ યાદવે વિકાસ દુબેની ધરપકડ બાદ પણ તેણે સરેન્ડર કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘પ્રાપ્ત વિગતો પ્રમાણે કાનપુર કાંડનો મુખ્ય અપરાધી પોલીસ કસ્ટડીમાં છે. જો આ સાચું હોય તો સરકાર સ્પષ્ટ કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ.’ આ સાથે જ તેમણે મોબાઈલની CDR સાર્વજનિક કરવા કહ્યું હતું જેથી સાચી મિલિભગતનો ભાંડો ફુટી શકે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.