સુરતના પુણાગામ સીમાડા રોડ યોગીચોક સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ગત બપોરે ઘુસી ચાર અજાણ્યાએ તોડફોડ કરી પ્રભારીને બીજેપીનો વિરોધ કરવાનો અને પોસ્ટરો લગાડવાનો ઘણો શોખ છે કહી માર માર્યો હતો. સરથાણા પોલીસે આ બનાવમાં ચાર અજાણ્યા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ સીમાડા રોડ યોગીચોક શિવદર્શન સોસાયટી વિભાગ 1 ઘર નં.24 માં રહેતા 37 વર્ષીય રામભાઇ ભીખાભાઇ ધડુક સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી છે.
ગત બપોરે તે શિવદર્શન સોસાયટી વિભાગ 1 માં પાર્ટી કાર્યાલયમાં હાજર હતા ત્યારે અજાણ્યાએ ફોન કરી સોસાયટીના લોકો પાર્ટીમાં જોડાવા માંગે છે કહી મળવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે 3 થી 4 માં આવવા કહ્યું હતું. જોકે, 2.45 ના અરસામાં 350થી 40 વર્ષના ચાર અજાણ્યા ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને રામભાઈને માર મારી બીજેપીનો વિરોધ કરવાનો અને પોસ્ટરો લગાડવાનો ઘણો શોખ છે કહી ખુરશીની તોડફોડ કરી તેના પાયાથી રામભાઈને ડાબા કાન ઉપર તથા માથામાં ઇજાઓ પહોચાડી હતી. એટલું જ નહીં છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. આ અંગે મોડીરાત્રે રામભાઈએ ચાર અજાણ્યા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ આમ આદમી પાર્ટીએ સુરતમાં રહેતા રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા છે તેવા પોસ્ટર લગાડયા હતા. વધુ તપાસ પીએસઆઇ એ.એલ.પરમાર કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.