સુરતમાં વધતાં પોઝિટિવ કેસને લઈને સ્વયંભૂ લોકડાઉન કરવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ

શહેરમાં કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે. 300થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ છે. આવા સમયે સોશિયલ મીડિયામાં લોકોએ સ્વયંભૂ લોકડાઉનની ચળવળ ઉપાડી હોય તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. લોકોને સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરતાં આ મેસેજમાં તારીખ 11મીથી 21 જુલાઈ 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવા અપીલ કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન ઘર બહાર ન નીકળવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ગત રવિવારે મજૂરાના ધારાસભ્ય દ્વારા પણ એક દિવસ માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરતું ટ્વિટ કરવામાં આવ્યું હતું.

લોકોમાં જાગૃતિ લાવવા અપીલ
જાહેર જનતાના મથાળા નીચે વાઈરલ મેસેજમાં લખાયું છે કે, નથી કેન્દ્રના હાથમાં કે નથી રાજ્યના હાથમાં કે નથી ક્લેક્ટર કે કમિશનરના હાથમાં નથી આરોગ્ય કે નથી પોલીસના હાથમાં આપણો જીવ આપણા હાથમાં હવે જનતા કરશે લોકડાઉન તારીખ 11 જુલાઈથી 21 જુલાઈ સુધી બસ બીજો કોઈ વિચાર નહીં માત્ર ને માત્ર 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન ગમે તે કામ હોય પણ ઘરમાં રહીશું તો જ સુરક્ષીત રહિશું તેવા લખાણ સાથે મેસેજને શેર કરવા વિનંતી કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે, તંત્ર દ્વારા આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી. પરંતુ આ મેસેજ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.