સચિન પાયલટ ભાજપમાં જોડાય તેવી અટકળો બની તેજ, આજે નડ્ડાની મુલાકાત લે તેવી શક્યતા

કોંગ્રેસના 27 અને ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ સચિન પાયલટ સાથે ભાજપમાં જોડાશે તેવી ધારણા

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ બગાવત પર ઉતરી આવ્યા છે જેથી રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર પર સંકટના વાદળો છવાયા છે. એક અહેવાલ પ્રમાણે સચિન પાયલટ સોમવારે સવારે એટલે કે આજે સવારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત લઈ શકે છે.

જો સચિન પાયલટ ભાજપનો ખેસ ધારણ કરી લેશે તો તે રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર માટે ભારે આંચકારૂપ સમાચાર હશે. બીજી બાજુ સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે તેમને 30 ધારાસભ્યોનું સમર્થન મળેલું છે જેમાં કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં જો સચિન  પાયલટ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જાય તો ગેહલોત સરકાર લઘુમતીમાં આવી જાય તેમ છે.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સચિન પાયલટની સાથે કોંગ્રેસના 27 ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. તે સિવાય ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ સચિન પાયલટને સમર્થન આપી રહ્યા છે અને તેઓ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. જાણવા મળ્યા મુજબ સવારે યોજાનારી કોંગ્રેસ વિધાનસભા દળની બેઠક પહેલા સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામુ સોંપી શકે છે.

સિંધિયા સાથે મુલાકાત

સચિન પાયલટે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ મુલાકાત લીધી હતી. સચિન પાયલટ જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસ સ્થાને તેમને મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આશરે 40 મિનિટ સુધી બેઠક ચાલી હતી અને આ બેઠક બાદ સચિન પાયલટ ભાજપમાં જોડાશે તેવી અટકળોને વધારે બળ મળ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.