CM અશોક ગેહલોતના અંગત ગણાતા રાજીવ અરોડાના ઘરે IT વિભાગના દરોડા

રાજસ્થાન કોંગ્રેસના આર્થિક મેનેજમેન્ટમાં કારોબારી રાજીવ અરોડાની ભારે મોટી ભૂમિકા

 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના અંગત ગણાતા કારોબારી રાજીવ અરોડાના ઘરે આવકવેરા વિભાગે દરોડો પાડ્યો છે. રાજીવ અરોડા ઉપરાંત તેમના સહયોગિયોના ઘરે પણ આવકવેરા વિભાગની રેડ પડી છે. એક અહેવાલ પ્રમાણે કરોડો રૂપિયાની લેવડ-દેવડ થવાની હતી જેને લઈ આ દરોડો પડ્યો છે.

હાલ આવકવેરા વિભાગની ટીમ રાજીવ અરોડા અને તેમના સહયોગિયોના નિવાસ સ્થાને અને કાર્યાલયોમાં ઉપસ્થિત છે અને તમામ કાગળો, દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગની ટીમો જયપુર અને કોટા સહિતના અન્ય શહેરોમાં આ લોકોના ઠેકાણાઓ પર પહોંચી છે.

દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સાથે અશોક ગેહલોતના અંગત ગણાતા રાજીવ અરોડા અને તેમના સહયોગિયોના ઘરે પહોંચી છે. કારોબારી રાજીવ અરોડા રાજસ્થાન કોંગ્રેસના આર્થિક મેનેજમેન્ટમાં ભારે મોટી ભૂમિકા ધરાવે છે જેથી આજના દરોડાના રાજકીય અર્થો કાઢવામાં આવી રહ્યા છે.

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોતની સરકાર સંકટમાં મુકાઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકાર બચાવવા બનતા પ્રયત્નો કરી રહ્યા છે અને 10 વાગ્યે તેમના ઘરે કોંગ્રેસ વિધાનસભા દળની બેઠક યોજવામાં આવી હતી જેના માટે પાર્ટીએ વ્હિપ જાહેર કર્યું હતું.

જાણવા મળ્યા મુજબ મુખ્યમંત્રી આજે મીડિયા સામે ધારાસભ્યોની પરેડ પણ યોજી શકે છે અને જરૂર પડશે તો રાજ્યપાલને મળીને ધારાસભ્યોની યાદી પણ સોંપવામાં આવશે. આ તરફ સચિન પાયલટ દિલ્હીમાં છે અને આ બેઠકમાં સામેલ નહીં થાય.

આ બધા વચ્ચે રાજસ્થાનના મુખ્ય વિપક્ષ ભાજપમાં પણ હલચલ મચી છે. રાજસ્થાનમાં જે પણ ઉથલપાથલ થઈ રહી છે તેના પર ભાજપનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે. ભાજપ સચિન પાયલટના આગળના પગલાની રાહ જોઈ રહ્યું છે. ભાજપના અનેક મોટા નેતાઓએ સચિન પાયલટની બગાવત કોંગ્રેસની આતંરિક લડાઈ છે અને ભાજપનો તેમાં કોઈ હાથ નથી તેવી સ્પષ્ટતા કરેલી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.