નેપાળની સુપ્રીમ કોર્ટનો સવાલ- ‘નેપાળી કામદારો માટે ભારત શું વિદેશ નથી?’

ભારતના નેપાળી દૂતાવાસમાં એક લેબર ડિપાર્ટમેન્ટ પણ નથી જે દુખદ કહેવાયઃ અરજીકર્તા

નેપાળની સુપ્રીમ કોર્ટે ઓલી સરકારને ભારતમાં કામ કરી રહેલા નેપાળીઓને લઈ ‘કારણ દર્શાવો નોટિસ’ પાઠવી છે. નેપાળની સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે, ભારતમાં કામ કરતા નાગરિકોને વિદેશી રોજગારની શ્રેણીમાં કેમ નથી રાખવામાં આવ્યા અને તેમને વિશ્વના અન્ય દેશોમાં કામ કરતા નાગરિકો કરતા અલગ શા માટે માનવામાં આવે છે. હકીકતે નેપાળની સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટીશન પર સુનાવણી ચાલી રહી છે.

ફોરમ ફોર નેશન બિલ્ડિંગ નેપાળ તરફથી નિર્મલ કુમાર ઉપ્રેતી અને દીપક રાજ જોશીએ અરજી દાખલ કરીને ભારતમાં કામ કરી રહેલા નેપાળીઓના દરજ્જાને લઈ સવાલ કર્યા છે. ઉપ્રેતીએ જણાવ્યું કે, ‘ફોરેન એપ્લાયમેન્ટ એક્ટ, 2007 સ્પષ્ટપણે કહે છે કે ભલે કોઈ પણ દેશ હોય, વિદેશમાં કામ કરવા જનારો દરેક નાગરિક પ્રવાસી કામદાર છે. પરંતુ ભારતમાં નોકરી કે કામ કરતા નેપાળીઓને કદી વિદેશી રોજગારમાં નથી રાખવામાં આવ્યા. સરકાર ભારતમાં કામ કરતા હોય તેવા નાગરિકોનો કોઈ રેકોર્ડ નથી રાખતી.’

એક અહેવાલ પ્રમાણે ભારતમાં આશરે 30થી 40 લાખ નેપાળીઓ કામ કરે છે. અરજીકર્તાના કહેવા પ્રમાણે વિદેશમાં કામ કરતા નાગરિકોમાં સૌથી વધારે લોકો ભારતમાં જ છે કારણ કે, બંને દેશની સરહદો એકબીજા સાથે ખુલ્લી છે. ત્રીજા કોઈ દેશમાં કામ કરવા માટે નેપાળીઓએ લેબર પરમિટ માટે અરજી કરવી પડે છે જ્યારે ભારતમાં કામ કરવા માટે આવી કોઈ પરમિટની પણ જરૂર નથી પડતી. આ કારણે માઈગ્રેશન પહેલા તેઓ ઈન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ નથી લઈ શકતા.

નેપાળમાં કોઈ પણ કામદારે વિદેશ જતા પહેલા માઈગ્રેન્ટ વર્કર્સ વેલફેર ફંડમાં યોગદાન આપવું પડે છે અને ઈન્સ્યોરન્સ ખરીદવો પડે છે. વિદેશમાં મરવા, ઘાયલ થવા કે ગંભીર રીતે બીમાર પડવા પર નેપાળ સરકાર તેમને આર્થિક મદદ કરે છે પરંતુ ભારત મામલે આવો કોઈ નિયમ લાગુ નથી થતો. આશરે બે સદીથી નેપાળીઓ ભારતમાં કામ કરે છે. 1815માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નેપાળી ગોરખાઓની સેનામાં ભરતી કરી હતી અને આજે પણ ભારતીય સેનામાં ગોરખાઓ છે.

1950માં નેપાળ અને ભારતે શાંતિ અને મૈત્રી સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા જેના અંતર્ગત નેપાળ અને ભારતના લોકો સરળતાથી એકબીજાની સરહદમાં મૂવમેન્ટની આઝાદી મેળવે છે. આ પ્રકારની છૂટના કારણે નેપાળીઓ માટે ભારતમાં રોજગારી મેળવવી સરળ બની છે. ગત નાણાંકીય વર્ષ દરમિયાન નેપાળને ભારત તરફથી 128.5 અબજ રૂપિયા રેમિટેંસ (ભારતમાં કામ કરતા નેપાળીઓ જે પૈસા ઘરે મોકલે) તરીકે મળ્યા હતા. આ નેપાળને કોઈ પણ દેશમાંથી મળતા રેમિટેન્સમાં સૌથી ઉંચો આંકડો છે.

જો કે અરજીકર્તા ઉપ્રેતીના કહેવા પ્રમાણે મૈત્રી સંધિમાં બંને દેશના લોકોને કોઈ પણ જાતના પાસપોર્ટ વગર એકબીજાની સરહદમાં પરિવહનની મંજૂરી મળી છે પરંતુ તેમ છતા ભારત વિદેશ જ કહેવાય. આ કારણે ભારતમાં કામ કરવા જતા નાગરિકોને પણ વિદેશી રોજગાર અંતર્ગત જ રાખવા જોઈએ. વધુમાં જણાવ્યું કે, નેપાળ સરકાર ભારતમાંથી આવતા રેમિટેન્સનો ઉપયોગ તો કરે છે પરંતુ ત્યાં રહેતા લોકોને માઈગ્રેટ વર્કર્સ નથી માનતી. દુખની વાત એ છે કે, ભારતના નેપાળી દૂતાવાસમાં એક લેબર ડિપાર્ટમેન્ટ પણ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.