આસામના પૂર-પ્રકોપમાં વધુ પાંચ માનવીઓએ જીવ ગુમાવ્યા છે, અને લગભગ સમગ્ર રાજ્યમાં લાખો લોકોને ચોફેર રેલમછેલ પાણીથી ભારે અસર થઇ છે, ત્યારે હવામાન વિભાગે દેશના ઉત્તર અને ઇશાન ભાગમાં ભારે વરસાદથી પરિસ્થિતિ ઓર વણસવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યાનુસાર, દેશના ઉત્તર અને ઇશાન ભાગોના મોટા પટ્ટામાં 18-19 જુલાઇએ વિપુલ વરસાદ થવાની ઘણી શક્યતા છે. આના પરિણામે પૂરની વર્તમાન પરિસ્થિતિ ઓર વણસે તથા ઇશાન રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કીમ જેવા સબ-હિમાલયન રાજ્યોના કેટલાક ભાગોમાં ભેખડો ધસી પડવાના બનાવો પણ નોધાય એમ બને, એમ હવામાન વિભાગે ઉમેર્યું છે.
આસામમાં પાંચ વ્યક્તિના મોત થયા છે, જ્યારે રાજ્યના 28 જિલ્લાઓમાં 36 લાખ લોકોને પૂરની અસર થઇ છે. આ સાથે આ ચોમાસામાં વરસાદ અને ભેખડો ધસી પડવાથી અત્યાર સુધીમાં 102 વ્યક્તિઓના મોત થયા છે, આ પૈકી 76 લોકો પૂર સંબંધી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે ધસી પડેલી ભેખડોએ 26 જણનો ભોગ લીધો છે.
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગોવડાએ વડાપ્રધાન મોદી સહિત એમના સમગ્ર તંત્રને પૂરગ્રસ્ત આસામ પ્રત્યે તાકીદે ધ્યાન આપવા અને મહત્તમ સહાયપૂરી પાડવા અનુરોધ કર્યો છે.
દલાઇ લામાએ પણ આસામમાં ફરી વળેલા પૂરથી જાન-માલના થયેલા નુકસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. એમણે રાજ્યના મુખ્ય પ્રધાનને પાઠવેલા પત્રમાં તંત્રે લીધેલા બચાવ અને રાહતનાં પગલાંને બિરદાવ્યા છે.
લોકો સોશ્યલ મીડિયા પર પૂર અને અસરગ્રસ્ત લોકોની તસવીરો ‘શેર’ કરી રહ્યા છે. હવામાન વિભાગના વર્તારા મુજબ ઇશાન ભારતમાં 18-20 જુલાઇ દરમિયાન, જ્યારે ઇશાન ઉપરાંત પૂર્વ ભારતમાં 18-21 જુલાઇ દરમિયન ભારેથી અતિભારે વરસાદ થઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.