મોદી સરકારે બદલ્યો 35 વર્ષ જૂનો કાયદો, 20મી જુલાઈથી મળશે આ અધિકારો

ભલે ગમે તે જગ્યાએથી સામાન ખરીદ્યો હોય પરંતુ ગ્રાહક દેશની કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ નોંધાવી શકશે

આ કાયદા બાદ આગામી 50 વર્ષ સુધી ગ્રાહકોને કોઈ નવા કાયદાની જરૂર નહીં પડે

કેન્દ્ર સરકાર 20મી જુલાઈથી એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. આ નવો કાયદો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થવાનો છે. જો સરકારી દાવાને માનીએ તો હવે આગામી 50 વર્ષ સુધી ગ્રાહકોને કોઈ નવા કાયદાની જરૂર જ નહીં પડે. હકીકતે 20મી જુલાઈથી દેશભરમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો-2019 લાગુ થશે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે અને આ નવો કાયદો આશરે 35 વર્ષ જૂના ગ્રાહક સુરક્ષા કાયદા-1986ની જગ્યા લેશે.

ખાદ્ય અને પુરવઠા તથા ગ્રાહક મામલાઓના મંત્રી રામ વિલાસ પાસવાને થોડા દિવસો પહેલા એમ કહ્યું હતું કે આ નવો કાયદો લાગુ થયા બાદ ગ્રાહકો માટે આગામી 50 વર્ષ સુધી કોઈ નવો કાયદો બનાવવાની જરૂર નહીં પડે. આ નવો કાયદો લાગુ થયા બાદ કોઈ ઉત્પાદન સંબંધી ભ્રામક વિજ્ઞાપન આપવા મોંઘા પડી જશે કારણ કે નવા કાયદામાં ભ્રામક જાહેરાતો આપવા પર કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

નવો કાયદો લાગુ થયા બાદ ઉપભોક્તાઓના વિવાદોનો સમય પર, પ્રભાવી અને ત્વરિત ગતિએ ઉકેલ મેળવવામાં આવશે. નવા કાયદા અંતર્ગત ઉપભોક્તા અદાલતોની સાથે સાથે એક કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ ઓથોરિટી (CCPA) પણ બનાવવામાં આવ્યું છે. આ ઓથોરિટી ગ્રાહકોના હિતની રક્ષા કઠોરતાપૂર્વક થાય તેનું મોનિટરિંગ કરશે. સાથે જ તેને દંડ ફટકારવાથી લઈને સજા સંભળાવવા સુધીનો અધિકાર પણ મળશે.

નવા કાયદા પ્રમાણે ગ્રાહક દેશની કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ નોંધાવી શકશે પછી ભલે તેણે કોઈ પણ જગ્યાએથી સામાન ખરીદ્યો હોય. આ જ રીતે ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ ગ્રાહકોની મુશ્કેલી સાંભળશે. ઉદાહરણ તરીકે જો કોઈ દુકાનદાર તમારા પાસેથી વધારે કિંમત વસૂલે છે, તમારા સાથે અયોગ્ય વર્તન કરે છે કે પછી ખામીયુક્ત વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે તો આવા દરેક કેસની સુનાવણી કરવામાં આવશે.

નવા કાયદા અંતર્ગત પીઆઈએલ કે જનહિત અરજી હવે કન્ઝ્યુમર ફોરમમાં જ ફાઈલ થઈ શકશે. ઓનલાઈન અને ટેલિશોપિંગ કંપનીઓને પણ તેમાં સમાવી લેવામાં આવી છે. ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે મધ્યસ્થતા માટે મીડિએશન સેલની રચના પણ કરવામાં આવી છે. આ સેલ બંને પક્ષની સહમતી બાદ જ મધ્યસ્થતા કરી શકે છે.

ગ્રાહક સુરક્ષા કાયદો-2019 આ વર્ષે જાન્યુઆરી મહીનામાં જ લાગુ થવાનો હતો પરંતુ માર્ચ મહીના સુધી તેની તિથિ લંબાવી દેવાઈ હતી. દેશવ્યાપી લોકડાઉન બાદ ફરી એક વખત તેની તિથિ લંબાવાઈ હતી પરંતુ હવે 20મી જુલાઈથી દેશભરમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ થશે તેવી સૂચના જાહેર કરી દેવાઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.