‘જો PM મોદી ચીનીઓને એમ સમજવાની તક આપી રહ્યા હોય કે છબિના કારણે તેમને ચુંગાલમાં ફસાવી શકાય તો ભારતના વડાપ્રધાન આ દેશના કોઈ કામના નહીં રહે’
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ચીન વિવાદ મુદ્દે સતત આક્રમક જણાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો સીરિઝ શરૂ કરી છે જેમાં તે વિભિન્ન મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આના અનુસંધાને જ આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ ચીન વિવાદ મુદ્દે વીડિયો રીલિઝ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિને અનુલક્ષીને સમગ્ર વિવાદ રજૂ કર્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સામે એક મજબૂત નેતાની છબિ જાળવી રાખવી એ મજબૂરી છે અને ચીન તેનો ફાયદો ઉઠાવીને પીએમ મોદીની છબિ પર જ હુમલો કરી રહ્યું છે. આ સાથે જ રાહુલ ગાંધીએ એવો સવાલ કર્યો હતો કે, હવે જોવાનું એ રહે છે કે પીએમ મોદી ચીનની આ ચાલનો જવાબ આપે છે કે પોતાની છબિની ચિંતામાં તેના સામે હથિયાર ફેંકી દે છે. આ સવાલની સાથે જ રાહુલ ગાંધીએ તેનો જવાબ પણ આપ્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મને લાગે છે કે પીએમ મોદી દબાણમાં આવી ગયા છે.
પીએમ મોદી શું કરશે?
રાહુલ ગાંધીએ પોતાના વીડિયો સંદેશામાં સવાલ કર્યો હતો કે, ‘ચીનના આ વલણ મુદ્દે પીએમ મોદી શું કરશે, શું તે ચીનનો સામનો કરશે, શું તે પડકાર સ્વીકારી લેશે કે તે એમ કહેશે કે હું ભારતનો પીએમ છું અને હું મારી છબિની ચિંતા નહીં કરૂં પણ તારો સામનો કરીશ કે પછી હથિયાર ફેંકી દેશે?’
આ સવાલોની સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી દબાણમાં આવી ગયા છે. વધુમાં કહ્યું કે, ‘મારી ચિંતા એ છે કે વડાપ્રધાન દબાણમાં આવી ગયા છે. ચીની આપણા ક્ષેત્રમાં બેઠા છે અને વડાપ્રધાન ખુલ્લેઆમ એમ કહી રહ્યા છે કે તે નથી બેઠા. આનાથી મને સ્પષ્ટ ખબર પડે છે કે તે પોતાની છબિને લઈ ચિંતિત છે અને તેનો બચાવ કરી રહ્યા છે.’
રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું કે, જો વડાપ્રધાન મોદી ચીનીઓને એમ સમજવાની તક આપી રહ્યા હોય કે છબિના કારણે તેમને ચુંગાલમાં ફસાવી શકાય તો ભારતના વડાપ્રધાન આ દેશના કોઈ કામના નહીં રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.