દક્ષિણનાં રાજ્યોમાં કોરોનાએ વર્તાવ્યો કાળો કેર, તમિલનાડુ, આંધ્ર અને કર્ણાટકમાં વધી રહ્યા છે કેસ

– દક્ષિણમાં કુલ 11 લાખ કેસ થઇ ચૂક્યા છે

 

દેશનાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કોરોનાએે કાળો કેર વર્તાવ્યો હોવાની માહિતી મળી હતી.

તામિલનાડુમાં એક દિવસમાં 4,979 નવા કેસ આવતાં રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો એેક લાખ સિત્તેર હજારના આંકને વટાવી ગયો હતો. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસની બાબતમાં તામિલનાડુ મોખરે છે. રાજ્યના મુખ્ય પ્રધાન પલાની સ્વામીએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને રાજ્ય સરકારે લીધેલાં પગલાંથી વડા પ્રધાનને વાકેફ કર્યા હતા. પલાનીસ્વામીએ એવો દાવો કર્યો હતેા કે અમે રોજના 48 હજાર કેસની તપાસ કરીએ છીએ.

તામિલનાડુની જેમ આંધ્ર પ્રદેશમાં પણ રવિવારે પાંચ હજાર એકતાલીસ નવા કેસ નોંધાયા હતા. આંધ્રમાં કોરોનાના કુલ કેસ પચાસ હજારના આંકને વટાવી ગયા હતા. રવિવારે કોરોનાના પગલે 56 વ્યક્તિનાં મરણ થયાં હતાં પરિણામે મૃતકોનો આંકડો 642નો થયો હતો.

કર્ણાટકમાં રવિવારે ચાર હજાર એકસોવીસ નવા કેસ નોંધાયા હતા એટલે અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંકડો 63 હજાર 772 પર પહોંચ્યો હતો. રવિવારે વધુ 91 વ્યક્તિનાં મરણ થતાં મૃતકોનો કુલ આંકડો 1,331નો થયો હતો. આમ કર્ણાટકમાં પણ કોરોના હવે બેકાબુ બની રહેલો જણાયો હતો.

કેરળમાં રવિવારે સંક્રમિત લોકોની સંખ્યા 12 હજારનો આંક વટાવી ગઇ હતી. આમ દિવસે દિવસે દક્ષિણનાં રાજ્યોમાં પણ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો હતો.

જો કે સોમવાર સવાર સુધીમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્ર રાજ્યની હતી જ્યાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મિશ્ર સરકાર છે. રાજ્યના કેટલાંક મોટાં શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ લાગુ પાડવામાં આવી હોવા છતાં લોકો જીવન જરૂરિયાતની ચીજો લેવા કે કામ ધંધાના કારણે બેધડક બહાર નીકળી રહ્યા હતા. રવિવારે એકલા મુંબઇમાં ચાર પાંચ સ્થળે પોલીસે કડક બંદોબસ્ત કરીને કોઇ દેખીતા કારણ વિના બહાર નીકળેલા લોકોનાં વાહનો જપ્ત કર્યાં હતાં.

અત્યાર અગાઉ એવી છાપ પ્રવર્તતી હતી કે યેદીયુરપ્પાએ કર્ણાટકમાં કોરોના પર સારો એવો કાબુ મેળવી લીધો હતો એટલે તેમને મુખ્ય પ્રધાનપદે ચાલુ રખાશે અને તેમની સામે પ્રવર્તી રહેલા વિરોધી પરિબળોની અવગણના કરાશે. પરંતુ રવિવારના રિપોર્ટ મુજબ કર્ણાટકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.