ભાજપના કાઉન્સિલર બંને અનાથ બાળકોની મદદે આવ્યા, એક વર્ષ સુધી ગુજરાન ચાલે તે માટે 1 લાખ રૂપિયાની મદદ કરી

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની મહામારીએ 2 બાળકને અનાથ બનાવી દીધા છે. 6 માસ પૂર્વે પિતાનું કેન્સરમાં મોત નીપજ્યાં બાદ માતાએ શનિવારે મોડી રાત્રે કોરોના વાઈરસની બીમારીને કારણે અંતિમ શ્વાસ લીધા હતા. અનાથ થયેલા બે સંતાનની મદદે ભાજપના સ્થાનિક કાઉન્સિલર મદદે આવ્યા છે.

માતા-પિતાના મૃત્યુ બાદ બે પુત્રો અનાથ થયા
વડોદરાના શહેરના ગોત્રી વિસ્તારમાં સવાયાનગર આવેલું છે. જ્યાં રહેતા મધુબહેન વિરજીભાઇ વણકર(ઉં.38)નું કોરોના વાઈરસના કારણે મોત નીપજ્યું છે. મધુબહેનનું શનિવારે મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં તેમના બે બાળક આકાશ (ઉં.16) અને બીજો પુત્ર મયુર (ઉં.13) નિરાધાર બન્યા છે. આકાશ હાલ ધો-10માં અભ્યાસ કરી રહ્યો છે.

અને તેનો નાનો ભાઇ મયુર ધો-8માં અભ્યાસ કરી રહ્યો છે.

પિતાનું 6 મહિના પહેલા કેન્સરની બીમારીથી મૃત્યુ થયું
વિરજીભાઇ વણકર છૂટક મજૂરી કામ કરતા હતા. અને મધુબહેન ખાનગી હોસ્પિટલમાં કપડા ધોવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 4 સભ્યોનું વણકર પરિવાર ખુશીથી દિવસો પસાર કરી રહ્યું હતું, પરંતુ , 6 માસ પૂર્વે વિરજીભાઇનું કેન્સરમાં મોત થતાં પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. પતિના મૃત્યુ બાદ મધુબહેને હિંમત એકઠી કરીને ફરીથી નોકરી ચાલુ કરી દીધી હતી અને બે સંતાનો આગળ જતા સહારો બનશે, તેવી આશાએ દિવસો પસાર કરવાનું શરૂ કરી દીધું હતું. સંતાનોએ પણ મહેનત કરી રહેલી માતાને જોઇને અભ્યાસમાં ધ્યાન પરોવી લીધું હતું.

કોરોના પોઝિટિવ માતાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
વણકર પરિવારનું જીવન માંડ પાટા ઉપર ચઢ્યું હતું. ત્યાં કોરોનાની મહામારી શરૂ થતાં પરિવારની જિંદગી ફરી એકવાર પાટા ઉપરથી ઉતરી ગઇ હતી. આમતેમ કરીને લોકડાઉનના દિવસો પસાર કરી દીધા હતા. અનલોક થયા બાદ મધુબહેને ફરીથી નોકરી શરૂ કરી દીધી હતી અને જિંદગીની ગાડી પાટા ઉપર લાવી દીધી હતી, પરંતુ, કુદરતને આ પરિવારની ખુશી  મંજૂર ન હતી. મધુબહેન 10 દિવસ પહેલાં બીમારીમાં પટકાતા તેઓને ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તુરંત જ હોસ્પિટલમાં તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, મધુબહેન કોરોનાનો સામનો કરી શક્યા ન હતા. અને શનિવારની મોડી રાત્રે અંતિમ શ્વાસ લઇ લીધો હતો.

માતાના મૃત્યુ થતાં બે પુત્રો પર આભ ફાટી પડ્યુ, કાઉન્સિલર મદદે આવ્યા
માતાનું મૃત્યુ થતાં આકાશ અને મયુર ઉપર આભ ફાટ્યું હતું. નિરાધાર બની ગયેલા બંને ભાઇઓ એકબીજાને સાંત્વના આપતા હતા. અને પોતાની જિંદગી ભગવાન ઉપર છોડી દીધીહતી. આ સંજોગોમાં વિસ્તારના વોર્ડ નં-10ના ભાજપના કાઉન્સિલર નિતીનભાઇ ડોંગા દેવદૂત બનીને તેઓ પાસે પહોંચ્યા હતા. અને તેઓનું આગામી 12 મહિના સુધી ગુજરાન ચાલે તે રીતે પ્રતિ માસના રૂપિયા

8 હજારનો બેરર ચેક આપીને મદદરૂપ થયા છે.

ભાજપના કાઉન્સિલર નિતીન ડોંગાએ એક લાખ રૂપિયાનો ચેક બાળકોને આપ્યોકાઉન્સિલર કહે છે કે, નાણાં વિના તેમનો અભ્યાસ ન બગડે તેનું ધ્યાન રાખીશ
ભાજપના કાઉન્સિલર નિતીનભાઇ ડોંગાએ જણાવ્યું હતું કે, 6 માસના ટૂંકા ગાળામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર આકાશ અને મયુરના માતા-પિતાની તો ખોટ પુરી શકીએ તેમ નથી, પરંતુ, નિરાધાર બનેલા બે ભાઇઓને હાલ મારાથી થાય તેટલી રૂપિયા 1 લાખની વ્યવસ્થા કરી આપી છે. આવનારા દિવસોમાં પણ તેઓને કોઇ તકલીફ ન પડે અને નાણાં વિના તેઓનો અભ્યાસ ન બગડે તેનું ધ્યાન રાખીશ. આ ઉપરાંત મિત્રોની મદદ લઇને નિરાધાર બંને ભાઇઓને મદદરૂપ થવાનું વિચાર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.